એક આખલાને વીજ શોક લાગતા વીજ તંત્રને જાણ કરાઈ, દોઢ કલાક બાદ વીજ કર્મીઓ આવ્યા ત્યાં તો ૪ ખુંટીયાના જીવ હોમાઈ ગયા’તા
પડધરીના મૌવૈયા વિસ્તારમાં ચોમાસાનાં પ્રથમ વરસાદમાં જ વીજ તંત્રએ ૪ ખૂંટીયાના જીવ લઈ લીધા હતા. એક ખૂટીયાને વીજ શોક લાગતા તાત્કાલીક પીજીવીસીએલને જાણ કરાઈ હતી. વીજ કર્મીઓ દોઢ કલાક બાદ આવતા ૪ ખુંટીયાના જીવ લેવાઈ ગયા હતા.
પ્રાપ્ત થતી વિગત મુજબ પડધરીના મોવૈયા વિસ્તારમાં ગતરાત્રે વરસાદના કારણે ૧૦ વાગ્યાના અરસામાં એક ખુટીયાને વીજ શોક લાગ્યો હતો. સ્થાનીક જીવદયાપ્રેમીઓએ તાકીદે પડધરી પીજીવીસીએલને જાણ કરી તાત્કાલીક ઘટના સ્થળે આવી જવાનું કહ્યું હતુ પરંતુ પડધરી પીજીવીસીએલની ટીમ રાબેતા મુજબ કલાકો બાદ ઘટના સ્થળે પહોચી હતી વીજ કર્મીઓએ દાખવેલી આ બેદરકારીથી ચાર ખુંટીયાનો વીજ શોકના કારણે જીવ લેવાઈ ગયો હતો.
વીજ પ્રવાહ વહેતો હોય અકસ્માતે એક ખુટીયાને વીજ શોક લાગ્યો છે. અન્ય પશુઓ જીવ ગુમાવે તે પૂર્વે તાત્કાલીક ઘટના સ્થળે પહોચે તેવી આજીજી કરી હોવા છતા વીજ કર્મીઓએ બેદરકારી દાખવી દોઢ કલાક મોડા પહોચ્યા હતા. પીજીવીસીએલનીક ટીમ ઘટના સ્થળે પહોચી ત્યાંતો ચાર ખુંટીયાઓનો જીવ હોમાઈ ગયો હતો. આ ઘટનાથી જીવદયાપ્રેમીઓમાં વીજ તંત્રની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.