મુંબઈ ખાતે મુખ્ય ઓફિસ ધરાવતી કંપનીની સુરત ઓફિસ પર સર્વેની કામગીરી
જીએસટી લાગુ થયા બાદ આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગે પહેલી વખત કોઈ ગ્રુપને સાણસામાં લીધુ છે. તેમાં પણ ડાયમંડ ક્ષેત્રે પહેલી વખત રેડ પાડવામાં આવી છે. ગુરુવાર સવારથી મુંબઈ અને સુરત ઇન્કમટેક્સની ઇન્વેસ્ટિગેશન વિંગે કતારગામ ખાતે આવેલી જનની એક્સપોર્ટ પર દરોડા પાડયા હતા. સુરત અને મુંબઇની કુલ દસ પ્રિમાઇસીસ પર 40 અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરાઈ હતી.
તપાસના સ્થળોમાં કતારગામ સ્થિત ઘર, ઓફિસ અને ફેકટરીનો સમાવેશ થાય છે. શરૂઆતી તપાસમાં રૂપિયા 50 કરોડ રોક્ડ અને જ્વેલરી મળી આવી હતી, સાથે અને ત્રણ બેન્ક લોકર સિઝ કરવામાં આવ્યા છે. ઉપરાંત કરોડો રૂપિયાના ડોક્યુમેન્ટ પણ કબજે કરાયા છે.
ચર્ચા મુજબ અધિકારીઓને હવાલા અને કાચા-પાકાના ખેલની વિગતો હાથ લાગી હોવાથી દરોડા પડાયા છે. અલબત્ત, આ બાબતે હજી અધિકારીઓ કોઈ ફોડ પાડવા તૈયાર નથી. વર્ષે સુરતથી 1000 કરોડનો ટેક્સ મુંબઇ જતો રહે છે.
ડાયમંડ ની મોટાભાગની કંપનીઓ રિટર્ન ફાઈલ કરે છે: ડાયમંડ ની મોટા ભાગની કંપનીઓ મુંબઈમાં રિટર્ન ફાઈલ કરે છે, જેના લીધે એડવાન્સ ટેક્સ, રૂટીન ટેક્સ અને ટીડીએસ મળી શહેરમાંથી વર્ષે-દહાડે ૧૦૦૦ કરોડ જેટલો ટેક્સ મુંબઇ જતો રહે છે.