વાંકાનેરના અગાભી પીપળીયામાં વીજળી પડતા મૃત્યુ પામેલા યુવાનો વિશે ઘસાતું લખતા ક્ષત્રિય સમાજ લાલઘૂમ
સોશ્યલ મીડિયાના અતિરેકમાં નઠારા તત્વો મોતનો પણ મલાજો ન જાળવતા હોવાનું અને સમાજની બે કોમ વચ્ચે વૈમનસ્ય ઉભું કરી રહ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે, ગત અઠવાડિયામાં વાંકાનેરના અગાભી પીપળીયા ગામમાં બે આશાસ્પદ યુવાનોનું વીજળી પડતા મૃત્યુ થતા આ મામલે એક શખ્સે યુસી ન્યૂઝમાં અયોગ્ય કોમેન્ટ કરતા ક્ષત્રિય સમાજ લાલઘૂમ બન્યો છે અને આ મામલે આજે મોરબી કલેકટર અને પોલીસવડાને આવેદનપત્ર પાઠવ્યા બાદ મુખ્યમંત્રી અને ઇન્સ્પેકટર ને આવેદન પાઠવી આ શખ્સ વિરુદ્ધ કડક પગલાં ભરવા માંગ ઉઠાવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગત શનિવારના રોજ વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે વીજળી પડવાને કારણે ધોરણ ૧૨ માં અભ્યાસ કરતા બે આશાસ્પદ યુવાનોના મૃત્યુ થતા આ કરુણ ઘટનાથી ક્ષત્રિય સમાજમાં ગમગીની છવાઈ હતી.
બીજી તરફ આ સમાચાર યુસી ન્યૂઝમાં પ્રસિદ્ધ થતા કોઈ રામુ ભરવાડ નામના શખ્સે હલકી ભાષાનો પ્રયોગ કરી મોતનો મલાજો જળવવાને બદલે સારું થયું બે ક્ષત્રિયો ઓછા થયા તેવી નિમ્ન કોમેન્ટ કરતા સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષ વ્યાપ્યો છે.
આવી કોમેન્ટને કારણે બે કોમ વચ્ચે વૈમનસ્ય ઉભું થાય એમ હોય આજે મોરબી ક્ષત્રિય સમાજના અગ્રણી હિતેન્દ્રસિંહ અશોકસિંહ જાડેજાએ મુખ્યમંત્રીને આવેદન પત્ર મોકલ્યું હતું.
સાથે પોલીસ ઇન્સ્પેકટરને આવેદન સુપરત કરી ક્ષત્રિય સમાજ દ્વારા સોશ્યલ મીડિયામાં મોતનો મલાજો ન જળવાનાર રામુ ભરવાડ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.