કોર્ટમાં બોગસ દસ્તાવેજો રજુ કરવાના કેસમાં સંડોવાયેલા
હાઈકોર્ટના શરતી જામીન પર મુક્ત આરોપી વસંત ગજેરાને ઉમરા પોલીસે એકથી વધુ વાર નિવેદન માટે બોલાવવા છતા એક યા બીજા કારણોસર હાજર રહેવામાં નિષ્ફળ રહેતા.
વેસુની જમીનના બોગસ દસ્તાવેજો બનાવી કોર્ટમાં રજુ કરવાના કેસમાં હાઈકોર્ટમાંથી શરતોને આધીન જામીન મુક્ત આરોપી વસંત ગજેરા પોલીસ તપાસમાં સહકાર આપતા હોવાની જણાવી ઉમરા પોલીસે જામીન શરતના ભંગ બદલ જામીન રદ કરવા આજે સુરતની સીજીએમ કોર્ટમાં માંગ કરી હોવાની વિગતો સાંપડી છે.
વેસુ ગામના રેવન્યુ સર્વે મં.૪૮૨ તથા નવા રેવન્યુ સર્વે નં.૨૮૦ની જમીન પચાવી પાડવા સુરત સીવીલ કોર્ટના દાવામાં બોગસ દસ્તાવેજો રજુ કરવા અંગે ફરિયાદી વજુ માલાણીએ આરોપી ડાયમંડ વ્યવસાયી વસંત હરી ગજેરા વિરુધ્ધ ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ કેસમાં ઉમરા પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.જે દરમિયાન સુરતની સ્થાનિક અદાલતમાં કરેલા જામીનની માંગ નકારાતા આરોપી વસંત ગજેરાએ હાઈકોર્ટમાં જામીન માટે માંગ કરી હતી. જેની સુનાવણી બાદ હાઈકોર્ટ જસ્ટીસ એસ.એચ.વોરાએ આરોપીને તા.૯-૫-૧૮ના રોજ શરતોને આધીન જામીન મુક્ત કરવા હુકમ કર્યો હતો.
જે જામીન શરતોમાં તપાસ અધિકારી જ્યારે પણ તપાસ માટે બોલાવે ત્યારે આરોપીને હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. જેથી ઉમરા પોલીસે એકથી વધુ વાર વસંત ગજેરાને નિવેદન માટે હાજર થવા માટે લેખિતમાં જણાવ્યું હતુ.તેમ છતાં એક યા બીજા કારણોસર આરોપી વસંત ગજેરા તપાસ અધિકારી સમક્ષ હાજર રહેવામાં નિષ્ફળ રહ્યા હતા.
જેથી ઉમરા પોલીસ મથકના પીઆઈ ડી.એચ.ગોરે હાઈકોર્ટે લાદેલી જામીન શરતનો ભંગ થતાં આરોપી વસંત ગજેરાના જામીન રદ કરવા મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા મારફતે આજે ચીફ કોર્ટમાં અરજી દાખલ કરી છે.