ભારત-ચીન સહિતના દેશોને ઈરાન પાસેથી ઓઈલ ખરીદવાની મનાઈ ફરમાવવાના અમેરિકાના નિર્ણયને પગલે વર્ષોથી એકબીજાના દુશ્મન એવા ભારત અને ચીન નજીક આવ્યા છે. કારણ કે, અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે શરૂ કરેલી ટ્રેડ વોરમાં બન્ને દેશોને સહન કરવું પડે તેમ હોય ભારત અને ચીને એકબીજાના સંબંધોને વધુ મજબૂત કરવાની દિશામાં ખૂબજ આગળ વધી રહ્યાં છે. ૧૯૬૨ના યુદ્ધ બાદ ભારત-ચીન વચ્ચે રહેલી ખટાશ છેલ્લા એક વર્ષમાં દૂર થઈ છે.
ચીને ભારત માટે બીન બાસમતી ચોખાની નિકાસ કરવાનું સરળ બનાવ્યું છે. સાથે સાથે ભારતમાંથી આયાત થતી કેન્સરની દવાઓની આયાત ડયૂટી રદ્દ કરી છે. ઉપરાંત બન્ને દેશો વચ્ચે નદીના પાણીના પ્રવાહો મુદ્દે પણ હકારાત્મક સંધીઓ થઈ છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાની ટ્રેડ વોરના કારણે ચીને અને ભારતે અમેરિકાની પ્રોડકટો પર ડયૂટીમાં વધારો કરી નાખ્યો છે જેના કારણે અમેરિકાના પેટમાં તેલ રેડાયું છે. સાથે સાથે ભારત-ચીને દ્વિપક્ષીય વેપારમાં ખુબજ ઉદાર નીતિ અપનાવતા ચીની આયાત થતી મશીનરી, ટેલીકોમ સાધનો અને ઘરેલું ઉપકરણોના વેપારમાં ખુબજ મોટો વધારો થયો છે અને છેલ્લા વર્ષમાં ભારત-ચીન વચ્ચે ૯૦ અબજ ડોલરનો વેપાર થયો છે. આ ઉપરાંત ભારત-ચીને જૂના મતભેદો ભુલાવી ભારત, ભુતાન અને તિબેટ વચ્ચેના માર્ગ ઉપરાંત બન્ને દેશો વચ્ચે સંયુકત લશ્કરી કવાયતને ઓગષ્ટ માસમાં યોજવા પર સહમતી સધાઈ છે. આમ અમેરિકાની ટ્રેડ વોર જેવી સ્થિતિમાં એકબીજાના દુશ્મન ગણાતા ભારત-ચીન વધુ નજીક આવ્યા હોવાનું સ્પષ્ટ બન્યું છે.