જેતપુરની આર્ક રબ્બર કંપનીના કૌભાંડોમાં અનેક ફરિયાદો આપવા છતાં પોલીસના પેટનું પાણી હલતું નથી
જેતપુર ખાતે આવેલ આર્ક રબ્બર કંપનીના ભાગીદાર અને ઉધોગપતિ તુષારભાઈ પ્રવિણભાઈ સોજીત્રાએ ગઈકાલે રાજયના પોલીસવડાને સનસની ખેજપત્ર પાઠવ્યો હતો. રાજયના પોલીસવડા શીવાનંદ ઝાને સંબોધીને લખાયેલ પત્રમાં જુનાગઢ પોલીસ પર સનસનીખેજ આક્ષેપો થયા છે. આ પત્રમાં જુનાગઢના હાલના એક ફરિયાદીની હાલત વર્ણવવામાં આવી છે. જેતપુરની આર્ક રબ્બર કંપની નામની ભાગીદારી પેઢીમાં કૌભાંડો પછી કૌભાંડો ખુલ્લી રહ્યા છે અને એની તમામ વિગતો પોલીસને આધાર પુરાવાઓ સાથે આપવા છતાં પોલીસના પેટનું પાણી હલતું નથી અને સતત પોતાના કામમાં નિષ્ક્રીય એવી પોલીસની આરોપીઓને છાવરવાની નીતિ સ્પષ્ટ થઈ રહી છે.
આ અંગે વધુ વિગત અનુસાર જુનાગઢના ઉધોગપતિ તુષારભાઈ સોજીત્રા દ્વારા રાજયના પોલીસ વડાને સંબોધીને એક સનસનીખેજ પત્ર પાઠવવામાં આવતા જુનાગઢ પોલીસની હાલની પરિસ્થિતિ ઘણા બધા અંશે સ્પષ્ટ થઈ રહી છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે, જુનાગઢ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં આર્ક રબ્બર કંપની પ્રાઈવેટ લિમીટેડ કંપનીના કૌભાંડો પછી કૌભાંડો ખુલ્લી રહ્યા છે તેની તલસ્પર્શી વિગતો આધાર પુરાવાઓ સાથે ફરિયાદો કરવા છતા આ આર્ક રબ્બર કંપનીના જવાબદારો આર્થિક સુખી-સંપન્ન અને સઘ્ધર હોવાની સાથે ઉંચી લાગવગવાળા હોય સ્થાનિક પોલીસ અધિકારીઓ તેમની સામે પગલા લેવાની બદલે તેને સતત છાવરી રહ્યા છે.
પોલીસની સતત ઢીલી નીતિના કારણે આ આર્ક રબ્બર કંપનીના જવાબદારો બેખોફ થઈ આજ કંપનીમાં સીલસીલાબઘ્ધ કૌભાંડો આચરી રહ્યા છે.
આ કંપનીના મોટાભાગના હિસ્સેદારો કંપનીની સામે મેદાને પડી કંપનીમાં ચાલી રહેલા કૌભાંડોની વિગતવાર તલસ્પર્શી આધાર પુરાવાઓવાળી માહિતી વારંવાર પોલીસને આપવા છતાં પોલીસ કોઈપણ પ્રકારના પગલા ન ભરતી હોવાના સનસની આક્ષેપો રાજયના પોલીસ વડાને કરાયા છે. આ કંપનીના ભાગીદાર અને મુખ્ય આરોપીઓ સુભાષભાઈ ગધેસરીયા અને કિશોરભાઈ પીંડોરીયા, મનહરભાઈ અને રાવજીભાઈ સાથે મળી બેંક સાથે પણ ગુનાહિત કૌભાંડ બોગસ રેકર્ડ ઉભુ કરીને આચરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. આ ટોળકીમાં રાવજીભાઈ સહિતનાઓ વ્યવસ્થિત કૌભાંડ આચરી વિદેશી ભાગી જવાની ફિરાતમાં હોય આ ફરિયાદો અંગે તાત્કાલિક પગલા લેવા આદેશ કરવા પેઢીના ભાગીદાર તુષાર સોજીત્રાએ જણાવ્યું હતું.