વોર્ડ નં.૪માં ૭ અને વોર્ડ નં.૬માં ૧૮ સફાઈ કામદારો ગેરહાજર
ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી અને સેનીટેશન સમિતિના ચેરમેન અશ્ર્વિનભાઈ ભોરણીયાએ આજે શહેરના સામાકાંઠા વિસ્તારમાં વોર્ડ નં.૪ અને ૬ની વોર્ડ ઓફિસ તથા અલગ-અલગ વિસ્તારોમાં સફાઈ કામગીરી સંદર્ભે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું છે. જેમાં ૨૫ સફાઈ કામદારો ગેરહાજર હોવાનું જણાતા તેઓના પગાર કાપી લેવા સહિતની આકરી કાર્યવાહી કરવામાં આવી હતી.
આ અંગે વધુ માહિતી આપતા ડે.મેયર અશ્ર્વિનભાઈ મોલીયાએ જણાવ્યું હતું કે, આજે શાસક પક્ષના નેતા અને સેનીટેશન સમિતિના ચેરમેનની સાથે વોર્ડ નં.૪ અને ૬માં સફાઈ અંગે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં વોર્ડ નં.૪માં મહાપાલિકાના ચાર સફાઈ કામદારો અને મિત્ર મંડળના ૩ સફાઈ કામદારો સહિત કુલ ૭ સફાઈ કામદારો જયારે વોર્ડ નં.૬માં મહાપાલિકાના કાયમી એવા ૧૦ સફાઈ કામદાર અને મિત્ર મંડળના ૮ સહિત કુલ ૧૮ સફાઈ કામદારો ગેરહાજર હોવાનું માલુમ પડતા તેઓને કડક સુચના આપી દેવામાં આવી હતી. આ ઉપરાંત વિસ્તારમાંથી સફાઈ અંગેની આવતી ફરિયાદોનો તત્કાલ નિકાલ થાય તે માટે સોલીડ વેસ્ટ વિભાગના જવાબદાર અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે.
બંને વોર્ડમાં જુદા-જુદા વિસ્તારોમાં ટીપરવાન ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટે જાય છે કે કેમ તે અંગેની માહિતી લેવામાં આવી હતી. ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈ કચરો ન ઉપડતો ન હોવાની ફરિયાદ ન આવે તથા પાઈપ ગટર સાફ કરવાની હોય તે તત્કાલ સાફ કરવા પણ તાકીદ કરાઈ હતી. ચોમાસામાં પણ રોગચાળો ફાટી ન નીકળે તે માટે મેલેથીયોન પાઉડરનો છટકાવ કરવા, વોંકળાની સફાઈ બાકી હોય ત્યાં તત્કાલ વોંકળા સાફ કરવા અને વોંકળાની આજુબાજુમાંથી કચરો ઉપાડી લેવાની પણ સુચના આપવામાં આવી હતી.