પાનની દુકાને ગાળો બોલવાની ના કહેતા બંદુકમાંથી એક રાઉન્ડ ગોળીબાર કર્યો: યુવાન ઘવાયો
પોપટપરા, રોણકી અને ભગવતીપરામાં ખંડણી ઉઘરાવતા નામચીન ભરત કુંગશીયાએ બે દિવસ પહેલાં ભગવતીપરામાં પાનની દુકાને બંદુકમાંથી ફાયરિંગ કર્યાનો ગુનો પોલીસમાં નોંધાયો છે. ઘવાયેલા મુસ્લિમ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
પોપટપરાના પટેલ પરિવારની કરોડોની કિંમતની જમીન હડપ કરવા અવાર નવાર ખૂની હુમલા કરવાના ગુનામાં સંડોવાયેલા ભરત કુંગશીયા ગત તા.૨૩મીએ સાંજના સાડા છ વાગે ભગવતીપરામાં સંજરી પાન નામની દુકાને આવીને પોતાની પાસે રહેલી બંદુકમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કરતા દુકાનદાર એઝાઝ જુણેજા નામનો ૨૧ વર્ષનો યુવાન ઘવાયો હતો.
અવાર નવાર માથાકૂટ અને લુખ્ખાગીરી કરતા ભરત કુંગશીયાના ભયના કારણે મુસ્લિમ પરિવારે ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું હતું પણ ખાનગી હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરતા બી ડિવિઝન પોલીસે ઘવાયેલા એઝાઝ જુણેજાના પિતા ફિરોજ હબીબભાઇ જુણેજાની ફરિયાદ પરથી નામચીન ભરત કુંગશીયા સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.
ભગવતીપરા પાસે જયપ્રકાશનગર શેરી નંબર ૧૬માં રહેતા ફિરોજ જુણેજાના જણાવ્યું હતું કે ગત તા ૨૩મીએ પોતે અને પોતાનો પુત્ર એઝાઝ સાથે પોતાની સંજરી પાન નામની દુકાને હતા ત્યારે ભરત કુંગશીયા ત્યાં આવ્યો હતો અને ગાળો બોલતો હોવાથી તેને સમજાવી જતો રહેવાનું કહેતા તે ઉશ્કેરાયો હતો અને પોતાના પુત્ર એઝાઝ પર બંદુકમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું. ભરત કુંગશીયાના ત્રાસના કારણે પોપટપરાના પટેલ પરિવારે હિજરત કરી હતી અને તેની સામે મારામારી સહિત અનેક ગુના નોંધાયાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે ભરત કુંગશીયાની હત્યાની કોશિષના ગુનામાં શોધખોળ હાથધરી છે.