વિપક્ષી નેતા કોઈપણ બને તેને પુરો સહયોગ આપીશ: વશરામ સાગઠિયાનું વચન
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખપદેથી તાજેતરમાં ઈન્દ્રનીલ રાજયગુરુએ રાજીનામું આપી દીધું છે. ઈન્દ્રનીલને પક્ષમાં પરત લાવવામાં આવે તેવી માંગણી સાથે વિપક્ષી નેતા વશરામ સાગઠિયા સહિત ૧૭ કોંગી કોર્પોરેટરે રાજીનામા આપી દેવાની ચીમકી આપી છે ત્યારે હાલ એવી વાતો વહેતી થઈ છે કે વશરામ સાગઠિયાને ફરી વિપક્ષી નેતા બનવું છે જેના માટે તેઓ નવા ખેલ પાડી રહ્યા છે. આ વાતનું ખંડન કરતા સાગઠિયાએ આજે જણાવ્યું હતું કે, મને હોદાનો મોહ નથી, પક્ષ કહેશે ત્યારે વિપક્ષી નેતા પદ છોડી દઈશ.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી મારા હિત સત્રુઓ એવી અફવાઓ ફેલાવી રહ્યા છે કે મારો ફરી વિપક્ષી નેતા બનવું હોય નવા-નવા ખેલ પાડુ છું પણ આ વાત તદન પાયાવિહોણી છે. પ્રદેશ હાઈકમાન્ડ કહેશે ત્યારે હું વિરોધ પક્ષના નેતા પદેથી રાજીનામું આપી દઈશ. એટલું જ નહીં કોંગ્રેસના ૩૩ પૈકી ગમે તે કોર્પોરેટરને વિરોધ પક્ષના નેતા બનાવવામાં આવે તેને મારો પુરો સહયોગ મળશે.