જસદણ તાલુકાના આટકોટ ગામે દરરોજ હજારો પ્રવાસીઓની આવ-જા હોવા છતાં મહિલાઓ માટે અલગ સુલભ શૌચાલય નથી ત્યારે એસ.ટી.તંત્ર તથા ગ્રામ પંચાયત સહિયારો પ્રયાસ કરી મહિલાઓ માટે એક અલગ સુલભ શૌચાલય બનાવે એવી પ્રવાસીઓમાં માંગણી ઉઠવા પામી છે. આટકોટ બસ સ્ટેન્ડમાં રાજકોટ, ભાવનગર, જામનગર, અમરેલી, પાલીતાણા, મહુવા, જસદણ, ગારીયાધાર, બાબરા, ડેપોની એસ.ટી. બહોળા પ્રમાણમાં સ્ટોપ થાય છે. આ ઉપરાંત ખાનગી વાહનો તો બમણા સ્ટોપ થાય છે. આટકોટમાં એસ.ટી.લાખો રૂપીયા મુસાફરો પાસેથી કમાઈ છે.
પણ બસ સ્ટેન્ડ બીજા બસ સ્ટેન્ડની સરખામણીએ તબેલા જેવું કહી શકાય એવું વર્ષોથી છે. આ ઉપરાંત બસ સ્ટેન્ડ રોડ ટચ હોવા છતાં અહી આવતા પ્રવાસીઓ માટે ગ્રામ પંચાયત પણ કાંઈ ઉકાળી શકી નથી આટકોટ વિવિધ સરકારી તંત્રની જમીન દબાણમાં રાજકોટ જિલ્લામાં પ્રથમ ઈનામ મેળવી શકે પરંતુ બહારગામના મુસાફરો માટે અત્યાર સુધીના એક પણ એસ.ટી. તંત્રના અધિકારીઓ ગ્રામ પંચાયતના સરપંચો તલાટી મંત્રીઓ સભ્યો નિષ્ક્રીય રહ્યા છે. મારૂ શું ? અને મારે શું? એવી નીતિ રહી છે. સામાન્ય કામ માટે ફોટો સેશન કરી પોતાની પબ્લીસીટીમાં જ તેમને રસ છે. અન્ય સુલભ શૌચાલયોમાં જવાથી મહિલાઓ ક્ષોભ અનુભવે છે. ત્યારે એસ.ટી. તંત્ર અને ગ્રામ પંચાયત આટકોટ બસ સ્ટેન્ડ નજીક એક સુલભ શૌચાલય ઉભુ કરે એવી પ્રવાસીઓમાં માંગણી ઉઠવા પામી છે.