ભચાઉ નજીક હાઈવે પર છકડો રીક્ષામાં આવેલા બે અજાણ્યા ઈસમોએ બે યુવાનો પાસેથી રોકડ, મોબાઈલ મળી રૂપિયા ૩૩ હજારની લુંટ ચલાવતા પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. ભચાઉ પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ નેશનલ હાઈવે પર માધવ પેટ્રોલપંપ પાસે રોડ પર ચુનારામ રામારામ જાટ જે ટ્રેઈલર નંબર જીજે ૧૨ એઝેડ ૮૧૧૭ હંકારી જતો હતો. ત્યારે પાછળથી આવી રહેલા છકડો રિક્ષા નંબર જીજે ૧૨ બીયુ ૧૧૧૦ના ચાલકે ટ્રેઈલરને આંતરી છકડો રોડ વચ્ચે રાખી દીધો હતો અને છકડામાં સવાર બે પૈકી એક ઈસમે ચુનારામની ગરદન પર છરી રાખી રોકડા રૂપિયા ૧૨,૫૦૦ તેમજ મોબાઈલ મળી રૂપિયા ૧૯,૫૦૦ની મતા ઝુંટવી લુંટારુ પલાયન થઈ ગયા હતા.
ટ્રેલર ચાલકને લુંટી લીધા બાદ આરોપી ભચાઉ હાઈવે પર પસાર થતા હતા તે વેળાએ મનીષકુમાર નામનો યુવાન પગપાળા જતો હોય તેને છકડામાં પ્રવાસી તરીકે બેસાડી લઈ ગયા હતા અને આગળ જઈ મનીષને પણ છરી બતાવી તેની પાસેથી રોકડા ૮૦૦ તેમજ ૨ મોબાઈલની લુંટ ચલાવી હતી. ઘટના બાદ ચુનારામ તેમજ મનીષે ભચાઉ પોલીસને જાણ કરતા પીઆઈ એસ.જી.ભાટીયા સહિતનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો અને ગુનો નોંધી બંને આરોપીને રાઉન્ડઅપ કરી લીધા હોવાનું પીઆઈએ જણાવ્યું હતું.