સોશિયલ મીડિયાના મેસેજની ખરાબ અને કાયદો હાથમાં ન લેવા પોલીસની અપીલ
રાજકોટ સહિત રાજયભરમાં માસુમ બાળકોને ઉઠાવી જતી ટોળકી ઉતરી હોવાની સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયાથી નિર્દોષ લોકોને મારમાર્યાની અનેક સ્થળે ઘટના પ્રકાશમાં આવતા શહેર પોલીસ દ્વારા લોકોને અપીલ કરી શંકાસ્પદ લોકોની જાણ પોલીસને કરવી અને કાયદો હાથમાં ન લેવા તેમજ વાયરલ થતા મેસેજની ખરાઈ કર્યા વગર વાયરલ ન કરવા શહેર પોલીસની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
વધુમાં તાજેતરમાં નાના બાળકોને ઉઠાવી જતા માણસોની ટોળકીઓ આવેલી હોવાની અને બાળકોને ઉઠાવી જતા હોવાની સોશિયલ મીડિયામાં મેસેઝ ફરતા થયેલા છે. નાના બાળકોને ઉઠાવી જતી ટોળકી રાજકોટ શહેરમાં ફરતી હોવાની કોઈ આધારભુત માહિતી મળેલી નથી. આ બાબતે તમામ પોલીસ અધિકારીઓ એલર્ટ છે. તેમ છતાં આવી કોઈ આધારભુત માહિતી મળે તો તુરંત જ નજીકના પોલીસ સ્ટેશન અથવા તો કંટ્રોલ રૂમના ૧૦૦ નંબર ઉપર પોલીસને તાત્કાલિક જાણ કરવી તેમજ ખોટી અફવાઓ ઉપર ધ્યાન આપવું નહીં અને ખોટી અફવાઓ ફેલાવી નહીં.
ઉપરાંત કોઈપણ શંકાસ્પદ અજાણી વ્યકિત કે વ્યકિતઓ નજરે પડે તો તેઓને બાળકો ઉઠાવી જતી ગેંગ સમજી કાયદો હાથમાં ન લેતા તાત્કાલિક પોલીસને જાણ કરવી. સોશિયલ મીડિયામાં કોઈ પણ વિડીયો વાયરલ થાય અથવા કોઈપણ વિડીયો ધ્યાને આવ્યેથી વિશ્ર્વાસ ન કરવો તેની ખરાઈ કરવી આવા વિડીયો તથા મેસેઝ અન્ય વ્યકિતઓને / ગ્રુપમાં ફોરવર્ડ કરવા નહીં. ખોટી અફવાથી કોઈ નિર્દોષને શારીરિક હાની પહોંચી શકે છે જેથી ખોટી અફવા ફેલાવનાર વિરુઘ્ધમાં ભારતીય દંડ સહિતા આઈપીસીની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવશે અને કડક પગલા લેવામાં આવશે તેમ શહેર પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.