અત્યારે ગુજરાતી ફિલ્મનો સુવર્ણકાળ ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતી ફિલ્મના જાણીતા ડિરેકટર હારિતઋષિ પુરોહિતની ગુજરાતી ફિલ્મ સ્ક્રીપ્ટ ‘રોમ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ’માં વિજેતા થઈ છે. ગુજરાતી ફિલ્મ ઉધોગને વૈશ્ર્વિક સ્તરે લઈ જતી આ એક મોટી અને નોંધપાત્ર ઘટના છે. ‘આપણે તો ધીરૂભાઈ’ અને ‘લેટ ધેમ પ્લે’ જેવી સામાજિક સંદેશો આપતી ફિલ્મ બનાવી ચુકેલા હારિતઋષિની સ્ક્રીપ્ટ વિવિધ રાઉન્ડ પાસ કરીને ફાઈનલ સુધી પહોંચી છે. આખા જગતમાં જાણીતા ‘રોમ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્વિટલ’માં દુનિયાભરમાંથી આવેલી સ્ક્રીપ્ટ વચ્ચે ગુજરાતી સ્ક્રીપ્ટ પસંદ થઈ એ પણ ગુજરાતી ભાષા માટે ગૌરવરૂપ ઘટના છે.
આ અંગે વાત કરતા હારિતઋષિએ જણાવ્યું હતું કે, ‘મેં મારી આગામી ફિલ્મ માટે એડવેન્ચર અને કોમેડીનું મિશ્રણ કરી એક સ્ક્રીપ્ટ તૈયાર કરી હતી. આવી ફિલ્મ ગુજરાતી ભાષામાં નહિવત બની છે. દરમિયાન મને ‘પ્રિઝમા રોમ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલની જાણકારી મળતા મે તેમાં સ્ક્રીપ્ટ મોકલાવી હતી. તેમના નિયમ પ્રમાણે ગુજરાતી વાર્તાની સ્ક્રીપ્ટ અંગ્રેજીમાં અનુવાદિત કરી હતી. એ ફેસ્ટિવલમાં ભારતમાંથી અને દુનિયામાંથી અનેક સ્ક્રીપ્ટ આવતી હોય છે. એ વચ્ચે મારી ફિલ્મ પસંદ થઈ એ મારા માટે અંગત આનંદનો વિષય છે પરંતુ વધુ ગૌરવ એ વાતનું છે કે ગુજરાતી ફિલ્મોને નવી વૈશ્ર્વિક ઓળખ મળી છે. સામાન્ય રીતે ફિલ્મ બને પછી તેની ગુણવતાના આધારે વિવિધ પ્રકારના એવોર્ડ મળતા હોય છે પરંતુ આ ફિલ્મને સ્ક્રીપ્ટના લેવલે જ વૈશ્ર્વિક સન્માન મળી ગયું છે જે પણ અનોખી ઘટના છે.
સતત ફરતા રહેતા ગુજરાતીઓ ગ્લોબલ તો વર્ષોથી જ છે જ પણ ગુજરાતી ફિલ્મોને વૈશ્ર્વિક સ્તરે લઈ જવામાં ઘણી મહેનત કરવી પડે છે. કોઈ પણ સારી ફિલ્મ માટે સારી પટકથા લખાવી જરૂરી છે. હારિતઋષિના જણાવ્યા મુજબ તેમને આ સ્ક્રિપ્ટ માટેના અનેક પ્રતિભાવો મળી રહ્યા છે અને આ રીતે મળતા આ પ્રોત્સાહનથી ખુબ જ ઉત્સાહપૂર્વક ફિલ્મ નિર્માણ માટે આગળ વધી રહ્યા છે. રાજકોટ-અમદાવાદ-મુંબઈ વચ્ચે કામ કરતા હારિતઋષિ અગાઉ આપણે તો ધીરૂભાઈ જેવી સામાજિક કોમેડી ફિલ્મ બનાવી ચુકયા છે. તેમની બીજી શોર્ટ ફિલ્મ લેટ ધેમ પ્લે બાળકોને રમવા દેવા જોઈએ એવો સંદેશો આપતી ૩ મિનિટની ડોકયુમેન્ટ્રી હતી. આ ફિલ્મને તેમાં રહેલ મજબુત સંદેશાને કારણે ઘણી ખ્યાતિ મળી છે. જયારે યુ-ટયુબ પર એ હજારો વખત જોવાઈ છે.