દર મિનીટે ૪૪ ભારતીયો ગરીબીમાંથી બહાર આવી રહ્યા છે !!
૨૦૩૦ સુધીમાં ભારતમાં ગરીબો નહીં હોય
આ સમાચાર વાંચશો એટલો સમયમાં ભારતમાં ગરીબોની સંખ્યામાં ૧૦૦થી વધુ લોકોની સંખ્યા ઘટી જશે ! તાજેતરમાં બુકીંગ બ્લોગના સર્વેમાં બહાર આવેલા આંકડા મુજબ ભારત ઝડપભેર ગરીબોની સંખ્યામાં અવ્વલ નંબર ગુમાવ્યો છે અને વિશ્ર્વનો સૌથી કંગાળ દેશની હરિફાઈમાં નાઈજીરીયા અને બીજા નંબરે કોંગો બાદ ભારત ત્રીજા ક્રમે આવી ગયું છે.
બુકિંગ બ્લોગ્સ દ્વારા અભ્યાસ બાદ મે-૨૦૧૮માં જાહેર કરાયેલા વિશ્વના સૌથી ગરીબ દેશોની યાદીમાં ભારતે ટોચનું સ્થાન ગુમાવ્યું છે અને આ સ્થાન નાઈઝીરીયાએ હાંસલ કરી વિશ્ર્વનો સૌથી ગરીબ દેશ બન્યો છે તો કોન્ગો વિશ્વના સૌથી ગરીબ દેશોની યાદીમાં બીજા ક્રમે છે અને ભારત ઝડપભેર ગરીબીમાંથી બહાર નિકળી રહેલ રાષ્ટ્ર તરીકે આગળ આવી ત્રીજા ક્રમે આવ્યું છે. અભ્યાસમાં દર્શાવ્યા મુજબ ૨૦૨૨ સુધીમાં ભારતની કુલ વસ્તીમાં ૩% ટકા લોકો જ ગરીબ રહેશે અને ૨૦૩૦ સુધીમાં ભારતમાંથી ગરીબી સંપૂર્ણપણે નાબુદ થાય તેવી શકયતા વ્યકત કરવામાં આવી છે.
અભ્યાસમાં જણાવ્યા મુજબ નાઈઝીરીયામાં ૮.૩ કરોડ લોકો અત્યંત ગરીબીમાં જીવી રહ્યા છે જયારે ભારતમાં અત્યંત ગરીબોની સંખ્યા ૭.૩ કરોડ હોવાનું અભ્યાસમાં જણાવાયું છે પરંતુ નાઈઝીરીયાની તુલનાએ ભારતમાં ઝડપભેર ગરીબોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. બુકીંગ બ્લોગ દ્વારા ફયુચર ડેવલોપમેન્ટ અંગે જાહેર કરેલા અભ્યાસ મુજબ ભારત દર મિનિટે ૪૪ લોકો ગરીબીમાંથી બહાર આવી રહ્યા છે અને આની આજ ગતિએ ગરીબીમાં ઘટાડો થશે તો ૨૦૩૦ સુધીમાં ગરીબોની સંખ્યા ભારતમાં સંપૂર્ણપણે નિમૂલ થઈ જશે.
દરમિયાન ભારતનાં અર્થશાસ્ત્રીઓએ પણ બ્રુકર બ્લોગના અભ્યાસને સમર્થન આપતા જણાવ્યું હતું કે, ભારતમાં ગરીબી ઘટી રહી છે. પ્રોફેસર ભાનુમતીએ જણાવ્યું હતું કે, ૨૦૩૦ સુધીમાં ગરીબી નિર્મૂલનની શકયતાને ભારત પૂર્ણ કરી શકે તેમ છે. છેલ્લા ૧૦ વર્ષમાં લોકોની આર્થિક સ્થિતિમાં સારો એવો સુધારો આવ્યો છે જો આજ રીતે ગરીબી નિર્મૂલન કરવું હોય તો મિલેનીયમ ડેવલોપમેન્ટ ગોલને ૭ થી ૮ ટકા સુધી જાળવી રાખવો પડશે.
ઉલ્લેખનીય છે કે બુકર બ્લોગનો સર્વે વિશ્વના ૧૮૮ દેશોમાં કરવામાં આવ્યો હતો. જેમાં સાઉથ એશિયા, ઈસ્ટ એશિયામાં ગરીબીનું ઉચું પ્રમાણ જોવા મળ્યું છે. ભારત, ઈન્ડોનેશિયા, બાંગ્લાદેશમાં આવકનું ઉંચુ પ્રમાણ જોવા મળ્યું છે. એજ રીતે પાકિસ્તાન અને ચાઈનાની સ્થિતિ પણ આવી છે અને ચીન ઝડપભેર ગરીબોની સંખ્યામાં ઘટાડો લાવવામાં સફળ થયું છે. આ અભ્યાસમાં સૌથી ખરાબ સ્થિતિ સાઉથ આફ્રિકાના દેશોની છે અને જો આવીને આવી સ્થિતિ ચાલુ રહી તો આવનાર વર્ષોમાં સૌથી વધુ ગરીબો આફ્રિકન દેશોમાં હોવાનું અભ્યાસમાં જણાવાયું છે.