કામના દબાણથી કર્મચારી આપઘાત કરે તો બોસ જવાબદાર ન ગણાય: સુપ્રીમ
નોકરી-ધંધા પર વધુ પડતા કામના દબાણથી કર્મચારીઓ આપઘાત કરી જીવ ટુંકાવી દે છે તેવા પણ અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે. આવા બનાવો પાછળ જવાબદાર જે-તે નોકરી-ધંધાના બોસને ગણવામાં આવે છે ત્યારે આ મુદે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપતા જણાવ્યું છે કે, કર્મચારી ઉપર કામનું દબાણએ ગુનો નથી. જો કામના દબાણથી કર્મચારી આપઘાત કરે તો તેના માટે જવાબદાર બોસ નથી.
મહારાષ્ટ્ર સરકારમાં શિક્ષણ વિભાગના ડેપ્યુટી ડાયરેકટરની ઔરંગાબાદ સ્થિત ઓફિસમાં કામ કરતા કિશોર પરશારે ઓગસ્ટ, ૨૦૧૭માં આપઘાત કર્યો હતો. તેની પત્નિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી આરોપ મુકયો હતો કે, તેના પતિની ઉપરના સુપીરીઅર ઓફિસરના કામના દબાણના કારણે તેના પતિએ આપઘાત કર્યો છે. મોડી સાંજ સુધી કિશોર તેમની ઓફિસે કામ કરતો અને કામનો બોજો ખુબ જ વધુ રહેતો અને રજાના દિવસોમાં કિશોર પરસારાએ આત્મહત્યા કરી તેમ તેની પત્નીએ જણાવ્યું હતું. કિશોર પરસારાની પત્નીની ફરિયાદને ઓફિસરે બોમ્બે હાઈકોર્ટમાં પડકારી હતી.
બોમ્બે હાઈકોર્ટે સુનાવણીમાં ચુકાદો આપ્યો હતો કે કિશોર પરસારાએ કામના દબાણથી આત્મહત્યા કરી એટલા માટે જવાબદાર બોસ જ ગણાય. ભલે બોસનો આ સાથે કોઈ સીધો સંબંધ ન હોય પરંતુ તેમને પરિસ્થિતિ એવી ઉભી કરી કે જેથી કિશોર પરસારા આત્મહત્યા માટે મજબુર બન્યો. જયારે બોમ્બે હાઈકોર્ટની આ દલીલને સુપ્રીમ કોર્ટે ફગાવી છે અને કહ્યું કે, કર્મચારી ઉપર બોસ કામનું ભારણ આપે એ કોઈ ગુનો નથી. હા, જો બોસે જાણી જોઈને પરિસ્થિતિ ઉભી કરી હોય અને કર્મચારીને જીવ આપી દેવા પર ઈરાદાપૂર્વક મજબુર કર્યો હોય તો તેના માટે બોસ જવાબદાર ગણાય.