ભાગવત કથાચાર્ય જીજ્ઞેશદાદા અને અક્ષર મંદિરથી પધારેલા સંતોના વરદ હસ્તે રીબીન કાપી સ્કૂલને ખુલ્લી મુકવામાં આવી
ગોંડલ શહેરને શિક્ષણપ્રેમી મહારાજા ભગવતસિંહજીએ સેવેલ સ્વપ્નને પૂર્ણ કરવા તેમજ ગોંડલ શહેરના વાલીઓ અને વિદ્યાર્થીઓની જરૂરીયાતને પૂર્ણ કરવા માટે ઈન્ટરનેશનલ કક્ષાની ગંગોત્રી ઈન્ટરનેશનલ સ્કૂલ ગોંડલ શહેર માટે ખુલ્લી મુકવામાં આવી હતી.
ગોંડલ-જેતપુર નેશનલ હાઈવે પર જામવાડી નજીક એક ઈન્ટરનેશનલ કક્ષાનું વિશાળ સંકુલ બનાવવામાં આવ્યું જે સંકુલ તમામ પ્રકારની અત્યાધુનિક ટેકનોલોજીકલ સુવિધાઓથી સજજ કરવામાં આવેલ છે. જેમ કે વિદ્યાર્થીઓ માટે વિશાળરૂમ વિદ્યાર્થીઓને ટેકનિકલ જ્ઞાન મેળવવા માટે ૩૪૦૦ ફુટની અત્યાધુનિક સુવિધાસભર કમ્પ્યુટર લેબ, રોબોટીકસ લેબ, મ્યુઝિકરૂમ, ડાન્સીંગરૂમ, મેડિકલ રૂમ, વિદ્યાર્થીઓમાં રહેલી સુશુપ્ત શકિતઓ બહાર લાવવા માટે આર્ટ અને ડ્રાફટ, સ્પોર્ટસ, લાઈબ્રેરી ૨૬૦નું સીટીંગ ધરાવતું વિશાળ ઓડિટોરીયમ, બાયોલોજી, કેમેસ્ટ્રી, ફિઝીકસ માટે સાયન્સ લેબ, વિદ્યાર્થીઓને વિવિધ ભાષાઓના જ્ઞાન મેળવવા માટે લેન્ગવેઝ લેબ, ઈનડોર ગેમઝોન, આઉટડોર ગેમ ઝોન, એમ્પીથીએટર કિડ્રસપ્લે એરિયા, સેન્ડપીટ, જીમ્નેશીયમ, સ્વિમિંગપુલ, ડાઈનિંગ રૂમ, એકિટવિટીઝ અને લનિંગ રૂમ, ફુલ હવા ઉજાસવાળા રૂમ ધરાવતી ભાઈઓ તથા બહેનો માટે અલગ-અલગ હોસ્ટેલ સુવિધા વગેરે અત્યાધુનિક સુવિધાથી સજજ વિશાળકાય સંકુલને શાસ્ત્રોકતવિધિ મુજબ એકાદશીના પાવનપર્વના દિવસે ગંગોત્રી ઈન્ટરનેશનલ સ્કુલમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓના હસ્તે ગણેશપૂજન, સરસ્વતી પૂજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોકતવિધિ પૂર્ણ થયા બાદ સ્કુલનું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.
સાંજના સમયે ભાગવત કથાચાર્ય જીજ્ઞેશદાદા (રાધે-રાધે) અક્ષર મંદિરથી પધારેલ સંતો નિર્ભય સ્વામી, ભગત સ્વામી, દાદા સ્વામી તેમજ કષ્ટભંજન હનુમાન મંદિરથી પધારેલ શ્યામસુંદર સ્વામી, હરિસ્વામી, ઋષિકેશસ્વામી તેમજ દેવળા મંદિરથી પધારેલ મુનિબાપુ, નેસડીથી પધારેલ લવજીબાપુ હાઈવે ગુકુલથી પધારેલ ડો.સ્વામી વાસુદેવ પ્રસાદદાસજી, મામાદેવ મંદિરના મહંત ચંદુબાપુ તેમજ ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા, ગુજરાત રાજયના મહિલા અને બાળ વિકાસ ખાતાના પૂર્વ મંત્રી જશુબેન કોરાટ, નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા, ઉપપ્રમુખ અર્પણાબેન આચાર્ય, તાલુકા પંચાયતના પ્રમુખ શૈલેષભાઈ ઢોલરીયા, માર્કેટયાર્ડના ચેરમેન જયંતિભાઈ ઢોલ, અનિલભાઈ માધડ, અગ્રણી ઉધોગપતિ રમેશભાઈ ધડુક, વિઠ્ઠલભાઈ ધડુક રાજકોટ શહેર તેમજ તાલુકાની તમામ સ્કૂલોના આચાર્ય તેમજ તમામ સ્કૂલોના ટ્રસ્ટીઓ શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલ તજજ્ઞો, ડોકટરો અને વિદ્યાપ્રેમીવાલીઓની હાજરીમાં ભાગવત કથાચાર્ય જીજ્ઞેશદાદા તેમજ અક્ષર મંદિરથી પધારેલ સંતોના વરદ હસ્તે રીબીન કાપી આ સ્કૂલને ગોંડલ શહેર માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. જેમાં ૩૦૦૦ જેટલા વ્યકિતઓએ વિશાળ સંકુલની મુલાકાત લીધી હતી. તેમજ સ્ટેજ પ્રોગ્રામમાં ચાલતી વિવિધ ગેમ તથા એકિટવિટીને નિહાળી હતી. આ તકે ગંગોત્રી ઈન્ટરનેશનલ સ્કૂલના તમામ વાલીઓ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ વ્યકિતઓનો ગંગોત્રી ઈન્ટરનેશનલ સ્કૂલના ચેરમેન સંદીપ છોટાળાએ આભાર વ્યકત કર્યો હતો.