ફોફળ ડેમમાંથી થયેલ પાણી ચોરીથી ઉભી થયેલી સમસ્યા: પાણીનો બગાડ ન કરવા વોટર વર્કસ ચેરમેનની અપીલ
વર્ષો સુધીક દુષીત અને કેમીકલયુકત પાણી પીવાના કારણે ચામડી અને અનેક પ્રકારનાં રોગોનો ભોગ બનેલ ધોરાજીની સંહનશીલ પ્રજાએ અનેક આંદોલનો કર્યા બાદ સરકારે ધોરાજીની જનતાને ફોફળ ડેમમાંથી પીવાના પાણીની સુવિધા આપેલ છે.આમ છતા પણ અમુક ભ્રષ્ટ અધિકારીઓ તેમજ રાજકારણીઓની મીઠી નજર હેઠળ ખેડુતો દ્વારા થતી બેફામ પાણી ચોરીનાં કારણે ધોરાજીની જનતાને પીવાના પાણીની સમસ્યા ઉભી થતી હોય છે. આ વર્ષે પણ ફોફળડેમમાં પીવાના પાણીનો પૂરતો જથ્થો હોવા છતાં પણ તાજેતરમાં થયેલ બેફામ પાણી ચોરીથી ધોરાજીની જનતા ઉપર પીવાના પાણીનું સંકટ તોળાઈ રહ્યું છે.
આગામી દિવસોમાં જો સંતોષકારક વરસાદ નહી થાય તો જળ સમસ્યા ગંભીર રૂપ ધારણ કરી શકે છે.
ધોરાજીની જનતા માટે કાંઈક કરી છૂટવાની લાગણી ધરાવતા નવનિયુકત વોટર વર્કસ સમિતીના ચેરમેન અમીષ અંટાળાએ જણાવેલ છે કે જો વરસાદ આગામી દિવસોમાં સંતોષકારક નહી થાય તો પંપીંગ કરીને ડેમમાંથી પાણી લેવું પડે તેમ છે. જેથી પાણી વિતરણ પાંચ છ દિવસે થવાની શકયતા છે. જેથી બિન જરૂરી અને ખોટી રીતે પાણીનો બગાડ ન કરવા ધોરાજી પાલીકા નમ્ર અપીલ કરે છે. જેથી પાણી વિતરણ વ્યવસ્થિત કરી શકાય.