રેલી દરમિયાન પાલિકાએ ચેકીંગ હાથ ધરી ૧૦૦ કિલો પ્લાસ્ટીક પકડીને રૂ.૨૦ હજારનો દંડ ફટકારયો
મોરબીને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે નગરપાલિકા અને પર્યાવરણ પ્રેમી દ્વારા આજરોજ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી દરમિયાન પાલિકા તંત્રએ બજારમાં ચેકિંગ પણ હાથ ધર્યું હતું જેમાં ૧૦૦ કિલો પ્લાસ્ટીક પકડીને રૂ.૨૦ હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
મોરબી પાલિકા તંત્રએ મોરબીને પ્લાસ્ટિક મુક્ત કરવા પાણીના પાઉચ અને ૫૦ માઇક્રોનથી નીચેના તમામ પ્લાસ્ટિકના વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ લાદી દીધો છે. હાલ પાલિકા તંત્ર દ્વારા આ કાયદાની કડક અમલવારી કરાવવામાં આવી રહી છે પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગે લોકોમાં જાગૃતિ કેળવાય તે માટે પાલિકા અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા જન જાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલી રવાપર રોડ, બાપા સીતારામ ચોક, રવાપર મેઇન રોડ, ગાંધી ચોક, જુના બસસ્ટેન્ડ, શનાળા રોડ સહિતના મુખ્ય માર્ગો પર ફરી હતી. રેલીમાં ચીફ ઓફિસર ગીરીશ સરૈયા સહિતનો સ્ટાફ અને પર્યાવરણપ્રેમીઓ જોડાયા હતા. પર્યાવરણને જાકારો આપો, દેશ બચાવો સહિતના સૂત્રોચાર સાથે આ રેલી નીકળી હતી. રેલી દરમિયાન પાલિકા તંત્રએ દુકાન અને રેકડીઓ પર ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ૧૦૦ કિલો પ્લાસ્ટીક પકડીને રૂ.૨૦ હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.