વાલ્વ બદલવા અને ફલો મીટર મુકવાની કામગીરી સબબ ન્યુ રાજકોટમાં ઝીંકાયો પાણીકાપ: શાસકો મીટીંગોમાં વ્યસ્ત
ભરચોમાસે આજે શહેરમાં આઠ વોર્ડમાં પાણી કાપ ઝીંકવામાં આવતા ન્યુ રાજકોટમાં લાખો લોકો તરસ્યા રહ્યા હતા. વાલ્વ બદલવા અને ફલોમીટર મુકવાની કામગીરી સબબ આજે ૮ વોર્ડમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો હતો.
રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ પર ૬૦૦ એમએમ ડાયામીટરનો વાલ્વ બદલવા કામગીરી હાથ ધરવામાં આવતા રૈયા ફિલ્ટર પ્લાન્ટ આધારીત વોર્ડ નં.૧,૨,૯ અને ૧૦માં જયારે ન્યારા હેડ વર્કસ ખાતે સ્કાડા ફેઈસ-૩ અંતર્ગત ફલોમીટર ઈન્સ્ટોલ કરવાની કામગીરી તથા ન્યારા-રૈયાધાર પાણી ટ્રાન્સફર પાઈપલાઈન પર ૯૦૦ એમએમ ડાયામીટરની વાલ્વ બદલવાની કામગીરી હાથ ધરવા સબબ ચંદ્રેશનગર હેડવર્કસ આધારીત વોર્ડ નં.૧૧ અને ૧૩, પોપટપરા હેડવર્કસ આધારીત વોર્ડ નં.૩, બજરંગવાડી હેડવર્કસ આધારીત વોર્ડ નં.૨ અને ૩ જયારે મવડી હેડવર્કસ આધારીત વોર્ડ નં.૮,૧૦ અને ૧૧ના એવા વિસ્તારો કે જયાં બપોર બાદ પાણી વિતરણ કરવામાં આવે છે ત્યાં આજે પાણીકાપ લાદવામાં આવ્યો હતો. ભરચોમાસે મહાપાલિકા દ્વારા પાણીકાપનો કોરડો વિંઝવામાં આવતા ન્યુ રાજકોટમાં લાખો લોકો તરસ્યા રહ્યા હતા.