થોડો મોડા, પણ ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. શનિવારથી ગુજરાતના દરેક પ્રાંતોમાં વરસાદ નોંધાયો છે. જેમા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો ધોધમાર વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે લોકોનો મૂડ અને મિજાજ પણ બદલાયેલો દેખોયો. લોકોના ચહેરા પર તો ખેડૂતોમા આનંદની લાગણી છવાઈ ગઈ હતી. ત્યારે ગુજરાતની નદીઓ અને ડેમોમાં પણ પાણીની આવક નોંધાઈ છે, જેને કારણે સરદાર સરોવરની ડેમ સપાટી પણ વધી ગઈ છે. છેલ્લા બે દિવસમાં સરદાર સરોવર ડેમની સપાટી 46 સેન્ટીમીટરનો વધારો થયો છે. આ સાથે જ નર્મદા ડેમની જળ સપાટી 106.77 મીટર થઈ છે.
ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે મધ્યપ્રદેશના ડેમોમાં પાવરહાઉસ ચાલુ કરાયા છે. તો ઉપરવાસમાંથી 9826 ક્યુસેક પાણી છોડાયું છે, જેથી પાણીની આવક થતા સપાટીમાં વધારો થયો છે. દર કલાકે નર્મદા ડેમની સપાટી 1 સેન્ટિમીટર જેટલી વધી રહી છે.
મધ્યપ્રદેશમાંથી પાણીની આવક વધતા થતાં ડેમમાં પાણીની આવક વધી છે, તે જોઈ શકાય છે. નર્મદા ડેમમાંથી IBPT ટનલ દ્વારા 2652 ક્યુસેક પાણી લેવામાં આવી રહ્યું છે. હાલ મુખ્ય કેનાલમાં 2039 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.