સુરતના ઉધના વિસ્તારમાં આવેલી હજરત બાલાપીર દરગાહે ચમત્કારની વાતો વહેતી થતા મોડી રાત્રે હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. દરગાહમાં મઝાર હલી રહી હોવાની વાત ફેલાતા મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં એકત્ર થવા માંડતા પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો.
રિંગરોડ પર ઉધના દરવાજા પાસે ટ્રાફિક પોલીસ ચોકીની બાજુમાં વર્ષો જૂની હજરત બાલાપીરની દરગાહ છે. માત્ર મુસ્લિમો જ નહિ, સ્થાનિક હિન્દુ માટે પણ આસ્થાના પ્રતિક સમાન આ દરગાહ રવિવારે રાત્રે અચાનક ચર્ચામાં આવી ગઈ હતી. રાતે સાડા દસ વાગ્યાની આસપાસ એવી વાત વહેતી થઈ હતી કે, દરગાહમાં ચમત્કાર થયો છે.
બાલાપીરની દરગાહમાં જે મઝાર છે તે હાલી રહી છે. મઝાર શ્વાસ લઈ રહી હોવાના આ ચમત્કારની વાતે ધીરે ધીરે અહીં ભીડ એકઠી થવા માંડી હતી. મુસ્લિમ બિરાદરો શ્રદ્ધાથી, તો અન્યો કુતૂહલથી વશ થઈ અહી એકઠા થયા હતા. શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામતા દરગાહના દરવાજા બંધ કરી દેવાયા હતા. જેઓ પહેલા દરગાહમાં પહોંચ્યા તેઓએ અહી મોબાઈલમાં શુટિંગ કર્યું છે. મઝાર ઉપરની ચાદર તથા ફૂલોના હાર હાલતા હોય એવા દ્રશ્યો મોબાઈલમાં કેદ થયા હતા.