જામનગરમાં કોળી જ્ઞાતિ અને ભોંય જ્ઞાતિ વચ્ચેની બબાલની આગ હજુ ઠરી નથી. એક વખત મોટાપાયે બંને જ્ઞાતિના ટોળાઓ વચ્ચે થયેલી અથડામણ પછી મામલો શાંત પડી ગયો હોવાનું જણાતું હતું. પરંતુ ફરીથી બે દિવસ પહેલાં આ બંને જ્ઞાતિ વચ્ચે મારકુટ થયાની ઘટનાને કારણે અશાંતિનો માહોલ સર્જાયો છે. અને કોળી સમાજે ભોંય જ્ઞાતિના આગેવાન તથા કસુરવાનો સામે કડક પગલાં લેવાની માંગણી અને રોષ સાથે વિશાળ રેલી કાઢી જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.
ભોંય જ્ઞાતિ અને કોળી જ્ઞાતિ વચ્ચે થયેલી અથડામણ પછી બંને જ્ઞાતિના આરોપીઓ સામે પોલીસે ધરપકડ સહિતની કાયદેસરની કાર્યવાહી કરી હતી. જો કે તેમાંથી મોટાભાગના જામીન પર છૂટી ગયા છે. અને બંને જ્ઞાતિઓ વચ્ચે શાંતિ જળવાઈ રહે અને સમાધાન થાય તે દિશામાં બેઠક પણ યોજાઈ હતી.
તેમ છતાં મામલો બંને પક્ષે ઘૂઘવાયેલો જ રહ્યો છે અને તેમાંય જામનગરના મેયરપદની ચૂંટણી સમયે કોળી સેના ફરીથી મેદાનમાં આવી હતી અને ભોંય જ્ઞાતિના કોર્પોરેટરને મેયરપદ નહીં આપવા ભાજપ સમક્ષ રજૂઆત ૫ણ કરી હતી.
આજે વિશાળ રેલીમાં કોળી સેનાના જિલ્લા પ્રમુખ જીતેશભાઈ શીંગાળા તથા જ્ઞાતિના અગ્રણીઓની આગેવાનીમાં સૂત્રોચ્ચાર અને પ્લેકાર્ડ સોથ કોળી જ્ઞાતિના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાં.
આ આવેદનપત્રમાં હસમુખ જેઠવા સામે ખૂલ્લો આક્ષેપ કરવામાં આવ્યો છે. હસમુખ જેઠવા તેની જ્ઞાતિના અસામાજિક તત્ત્વો તથા સાગરિતો દ્વારા કોળી સમાજના લોકો પર અત્યાચાર કરે છે, ખોટી ફરિયાદો અને અરજીઓ કરી કોળી સમાજને હેરાન કરે છે.
હોળીના તહેવાર સમયે ભોય જ્ઞાતિના અસામાજિક તત્ત્વોએ ઝઘડો કર્યો હતો અને ત્યારપછી હસમુખ જેઠવાની આગેવાની હેઠળ કોળી સમાજના રહેણાંક વિસ્તારમાં આવી નિર્દોષ લોકોના વાહનો અને મિલકતને તેમજ મકાનો સળગાવ્યા હતાં. કોળી સમાજના લોકો પર જીવલેણ હુમલો કરી ઈજા પહોંચાડી હતી. તેઓ રાજકીય વગના કારણે ખોટા કેસ કરાવી કોળી સમાજને પરેશાન કરે છે.
બે દિવસ પહેલા કોળી જ્ઞાતિના યુવક પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. મહેશ વાઘેલા નામના આ યુવાનની પત્ની પૂનમબેન રજૂઆત કરવા ગયા તો તેમને રોકવામાં આવ્યા અને કોઈ જવાબ નહીં મળતાં પૂનમબેને ઝેરી દવા પી લઈને આત્મહત્યા કરવાની ફરજ પડી હતી. તેમ છતાં ભોય સમાજ વિરૃદ્ધ ત્રાસ આપતી ફરિયાદ તેમના લખાવ્યા મુજબ પોલીસે લીધી નથી.
આ તમામ બાબતોની ગંભીરતાપૂર્વક નોંધ લઈ હસમુખ જેઠવા તથા તેના સાગ્રીતો સામે કડક અને યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે.