ડીઝલ મિકેનિક, મોટર મિકેનિક, ઓટો ઈલેકટ્રીશિયન, વેલ્ડર સહિતની જગ્યાઓ ભરાશે વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ ૨૯૦થી વધુ ઉમેદવારોના ઈન્ટરવ્યુ લીધા
રાજકોટ એસ.ટી. ડીવીઝન હેઠળ આવતા ૯ ડેપોમાં આગામી દિવસોમાં ૯૫ એપ્રેન્ટીસોની ભરતી પ્રક્રિયાનો ધમધમાટ શ‚ કરી દેવામાં આવ્યો છે. આજે શહેરના ગોંડલ રોડ પર આવેલા એસ.ટી.વર્કશોપ ખાતે જુદી જુદી જગ્યાઓ માટે ૯૫ એપ્રેન્ટીસોની ભરતી પ્રક્રિયાને લઈને ઈન્ટરવ્યુ લેવાયા હતા. જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારો હાજર રહ્યા હતા અને જે-તે ખાલી જગ્યા માટે ઉમેદવારી નોંધાવી હતી.
રાજકોટ એસ.ટી.ડિવીઝનના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ ડીવીઝન તેમજ આ ડીવીઝન હેઠળ આવતા ડેપો મોરબી, હળવદ, વાંકાનેર, ગોંડલ, ધોરાજી સહિતના ૯ ડેપોમાં કુલ ૯૫ જેટલા એપ્રેન્ટીસોની જુદા જુદા વિભાગમાં ભરતી કરવામાં આવશે. જેમાં ડીઝલ મીકેનીક, ડીપીસીએસ, મોટર મિકેનીક, ઓટો ઈલેકટ્રીસીયન, વેલ્ડર સહિતની જુદી જુદી પોસ્ટનો સમાવેશ થાય છે.
રાજકોટ ડિવીઝનમાં આગામી દિવસોમાં ૯૫ એપ્રેન્ટીસોની ભરતી માટે અંદાજીત ૨૭૦ જેટલા ઉમેદવારોએ અરજી કરી છે. જેમાંથી આજે ૨૫૦ જેટલા ઉમેદવારોએ ઉપસ્થિત રહી ઈન્ટરવ્યુ આપ્યા હતા. વિભાગીય નિયામક દિનેશભાઈ જેઠવાએ ઉપસ્થિત તમામ ઉમેદવારોના ઈન્ટરવ્યુ લીધા હતા. આવતા દિવસોમાં રાજકોટ ડીવીઝનના જુદા-જુદા ૯ ડેપોમાં એપ્રેન્ટીસોની ખાલી પડેલી જગ્યા પર ઉપરોકત ઉમેદવારો પૈકી લાયકાત મુજબ ઉમેદવારની પસંદગી કરી જે તે ખાલી જગ્યા પર પોસ્ટીંગ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતા અને આવતા દિવસોમાં જયાં એરપોર્ટને ટકકર મારે તેવું અતિઆધુનિક સૌરાષ્ટ્રનું સૌથી મોટુ બસપોર્ટ નિર્માણ પામનાર છે ત્યારે રાજકોટ એસ.ટી.ડિવીઝન અને તેની હેઠળ આવતા ડેપોમાં વહિવટી અને મીકેનીકલ સ્ટાફની છેલ્લા ઘણા સમયથી અછત પ્રવર્તી રહી છે. જેના કારણે દરરોજની એસ.ટી.ની વહિવટી અને ટેકનીકલ કામગીરી પણ ખોરવાઈ છે. વર્કશોપમાં મીકેનીકલ સ્ટાફના અભાવે ઢગલાબંધ બસો ભંગાર હાલતમાં પડી છે. બસોમાં મીકેનીકલ કામગીરી ન થવાને કારણે ચાલુ ‚ટ દરમિયાન બસો ખરાબ થવાના પણ બનાવ બને છે. ત્યારે હવે એસ.ટી.નિગમે રાજકોટ ડીવીઝનમાં ખાલી પડેલી એપ્રીન્ટસોની ભરતી પ્રક્રિયા હાથધરી છે. આવતા દિવસોમાં ડીવીઝન અને તેની હેઠળ આવતા તમામ ડેપોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરાશે. જેથી પાટા પરથી ઉતરી ગયેલી એસ.ટી.ની વહિવટી અને ટેકનીકલ કામગીરી ફરી પાટે ચડશે.