પારેખ પરિવાર આયોજીત પાંચ દિવસીય સત્રના સમાપન પ્રસંગે ૨૯મીએ માળા પહેરામણી: વધાઈ કિર્તન અને રાસ સહિતના કાર્યક્રમોનું આયોજન
ગ્વાલીયરના સતીષકુમારજી શર્મા યમુનાજીનું અલૌકિક અને વિશદ ચરિત્ર
રસપાન કરાવશે
જંકશન રેલવે સ્ટેશન સામે આવેલ ભાટીયા બોર્ડીંગ ખાતે પારેખ પરીવાર દ્વારા આગામી તા.૨૪ થી ૨૮ દરમિયાન સૌપ્રથમવાર શ્રીમદ્ વિઠલનાથજી કૃત યમુનાજી અષ્ટપદી સત્સંગ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે વિગત આપવા વિનુભાઈ પારેખ, ભરતભાઈ પારેખ, દિનેશભાઈ કારીયા, હરેશભાઈ પારેખ, અભિષેક પારેખ, પ્રતિક પારેખ, હસુભાઈ ડેલાવાળા અને દિલીપભાઈ રાણપરાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
જે.પી.પારેખ પરિવારના મનોરથ ઉપક્રમે રાજકોટમાં સર્વ પ્રથમવાર પુષ્ટિ સંપ્રદાયની સેવા પ્રણાલીને ભોગ અને શ્રૃંગારની કલાપૂર્ણ વૈભવ પ્રદાન કરનાર શ્રીમદ પ્રભુચરણ વિઠલનાથજી કૃત યમુનાજી અષ્ટપદી સત્સંગ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૨૪ જુનને રવિવારે શહેરના જંકશન રેલવે સ્ટેશન સામે આવેલી ભાટીયા બોર્ડીંગ ખાતે બપોરે ૩:૩૦ વાગ્યે વરિષ્ઠ વૈષ્ણવાચાર્ય પૂ.ગોવિંદરાયજી મહારાજના હસ્તે દિપ પ્રાગટય અને આર્શિવચનોથી પ્રારંભ થનારા આ સત્સંગ સત્રમાં ગ્વાલીયરના પરમ વિદ્ધદ અને જેમની ભાવવાહી અને સંગીતમયી મધુર શૈલી શ્રોતાઓને ભકિતરસમાં ભાવ વિભોર કરી દે છે. એવા સતીષકુમારજી શર્મા ગુંસાઈજી કૃત દિવ્ય ગ્રંથ ‘શ્રી યમુનાષ્ટ પદી દ્વારા યમુનાજીનું અલૌકિક અને વિશદ ચરિત્ર રસપાન કરાવશે.
તા.૨૪ જુન રવિવારથી તા.૨૮ જુન ગુરુવાર સુધી ચાલનારા આ પંચ દિવસીય સત્સંગ સત્રમાં નિત્ય બપોરે ૩:૩૦ થી સાંજે ૭:૩૦ દરમ્યાન કથા શ્રવણ ઉપરાંત રોજ સાંજે ભાટીયા બોર્ડીંગના પ્રાંગણમાં ઉભા થનારા ભવ્ય મંડપ પંડાલમાં યમુનાજીના નિત્યનુતન મનોરથોના દર્શન કરી આનંદ પ્રાપ્ત થશે. એ સાથે રોજે રોજના સત્સંગની સાંજે રાજકોટમાં બિરાજીત અનેકાનેક વૈષ્ણવાચાર્યની પધરામણી સાથે એમના ચરણસ્પર્શ અને દિવ્ય વચનામૃતો શ્રવણ કરવાનો લ્હાવો પ્રાપ્ત થશે. કથા સમાપન ઉપરાંત તા.૨૯ જુન શુક્રવારના રોજ પારેખ પરિવારના ઉપક્રમે એમના પિતા જે.પી.પારેખ તેમજ જયેષ્ઠભ્રાતા પ્રવિણભાઈ પારેખની માળા પહેરામણી ઉપક્રમે યમુનાજીના લોટી ઉત્સવ સાથે રાજકોટની કેશરીયા કિર્તનીયા મંડલી દ્વારા હવેલી સંગીત વધાઈ કિર્તન અને રાસ સહિતનો ક્રમ આયોજીત કરવામાં આવ્યો છે.