અમદાવાદ બર્ડહિટની ઘટનાને પગલે સરપ્રાઈઝ ચેકીંગ: એરપોર્ટની આસપાસના વિસ્તારમાં સધન સફાઈ કરવા મહાપાલિકાને આદેશ
રાજકોટ એરપોર્ટની સલામતી અને સુરક્ષાને લઈ જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તા અને અધિક કલેકટર હર્ષદભાઈ વોરાએ એરપોર્ટની ઓચીંતી મુલાકાત લઈ ખાસ કરીને સફાઈ વ્યવસને એરપોર્ટ ઓથોરીટી અને મહાનગરપાલિકાને તકેદારી રાખવા તાકીદ કરી હોવાનું જાણવા મળે છે.
જાણવા મળતી વિગતો મુજબ તાજેતરમાં અમદાવાદ એરપોર્ટ પર બર્ડહિટની ઘટનાને પગલે રાજય સરકાર દ્વારા એરપોર્ટની સલામતી અને સુરક્ષાને લઈ જિલ્લા કલેકટરને સરપ્રાઈઝ વીઝીટ કરવા સુચના આપવામાં આવતા જિલ્લા કલેકટર ડો.ગુપ્તા અને અધિક કલેકટર વોરા રાજકોટ એરપોર્ટની ઓચીંતી મુલાકાતે દોડી ગયા હતા અને બર્ડહીટ જેવી ગંભીર બાબતે બારીકાઈથી એરપોર્ટનું નિરીક્ષણ કર્યું હતું.
વધુમાં જાણવા મળ્યા મુજબ એરપોર્ટની સરપ્રાઈઝ વીઝીટ દરમિયાન એરપોર્ટની દિવાલ આજુબાજુ વસેલા વિસ્તારોમાંથી લોકો એરપોર્ટ સંકુલમાં કચરો ફેંકતા હોવાનું ધ્યાને આવ્યું હતું. જેના પગલે કલેકટર તંત્ર દ્વારા એરપોર્ટ ઓથોરીટી અને મહાપાલિકાના અધિકારીઓને એરપોર્ટના બોર્ડર વિસ્તારમાં સફાઈ વ્યવસ સઘન બને તે જોવા તાકીદ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ રાજકોટ એરપોર્ટમાં ગાય, ભેંસ ચરાવવામાં આવતા હોવાનું તેમજ કુતરાઓ ઘુસી જતા હોવાની પણ અનેક ઘટના બની છે ત્યારે તાજેતરમાં અમદાવાદ એરપોર્ટ પર બર્ડહીટની ઘટના બાદ કલેકટર તંત્ર સાબદુ બન્યું છે અને ઓચીંતુ ચેકિંગ હાથ ધરી એરપોર્ટમાં સલામતીને રાખવામાં આવતી ત્રુટીઓ મામલે એરપોર્ટ ઓથોરીટી અને મહાપાલિકાને ગંભીર બની કામગીરી કરવા સુચના આપી છે.
આ સંજોગોમાં એરપોર્ટ વિસ્તારમાં ઉડાઉડ કરતા પક્ષીઓ ખાસ કરીને નોનવેજ કચરો જોઈ આકર્ષાતા હોય કલેકટર તંત્ર દ્વારા મહાનગરપાલિકાને ખાસ તકેદારી રાખવા તેમજ એરપોર્ટની દિવાલ આજુબાજુના વિસ્તારમાં દબાણો ઉભા ન થાય તે જોવા પણ તાકીદ કરી હોવાનું જાણવા મળ્યું છે.