વાદળોનું ઝુંડ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ચોમાસાંનું પહેલુ આગમન ઉત્તર ગુજરાતને રાહ જોવી પડશે
રાજયમાં સત્તાવાર રીતે ૧૫ જૂની ચોમાસાનો પ્રારંભ થાય છે પરંતુ આજે ૨૨ જૂન વિતવા છતાં હજુ મેઘમહેર થઈ નથી. આ સંજોગોમાં ‘દેર આયે દુરસ્ત આયે’ ઉક્તિ મુજબ નૈઋત્યનું ચોમાસુ ધીમા પગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને સોમવારથી ચોમાસુ બેસવાની ધારણા હવામાન વિભાગે કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ નૈઋત્યનું ચોમાસું ગતિમાન બન્યું છે અને વાદળોનું એક મોટુ ઝુંડ ધીમે ધીમે ગુજરાત તરફ ગતિ કરી રહ્યું છે. જો કે હવામાનના જણાવ્યા મુજબ ચોમાસાની શરૂઆત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થશે. જયારે ઉત્તર ગુજરાતને વરસાદ માટે હજુ થોડો સમય રાહ જોવી પડશે.
ઉલ્લેખનીય છે કે, દેશી વરતારા મુજબ રાજયમાં ૨૨ જૂન બાદ સારા વરસાદ થવાના અણસારો અપાયા છે તો બીજી તરફ હવામાન વિભાગે પણ સોમવાર બાદ સારા વરસાદની ધારણા વ્યકત કરતા દેશી અને વૈજ્ઞાનિક પધ્ધતિમાં સામ્ય જોવા મળ્યું છે અને આજી આદ્રા નક્ષત્રનો પ્રારંભ થતો હોય સારા વરસાદના સંકેતો ગવાઈ રહ્યાં છે.
છેલ્લા એકાદ અઠવાડિયાથી રાજયના હવામાનમાં ફેરફાર થવા છતાં લોકોને ગરમીમાં છૂટકારો મળતો નથી. ગઈકાલે પણ સમગ્ર રાજયમાં સરેરાશ ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર થયો હતો અને અમદાવાદમાં ૪૧.૧ ડિગ્રી ગરમી વચ્ચે બપોરબાદ પવન ફૂંકાવાનો શરુ થયો હતો. આ સંજોગોમાં હવામાન વિભાગ દ્વારા આગામી અઠવાડિયામાં સારા વરસાદ થવાની આગાહી કરતા લોકોને ગરમીમાંથી રાહત મળે તેવી શકયતા જોવાઈ રહી છે.