અનેક સમસ્યાઓથી અધિકારી સંપૂર્ણપણે અજાણ હોય તેવા આક્ષેપો ઉચ્ચ અધિકારીઓ રૂબરૂ મુલાકાત લઈ ચકાસણી કરે તેવી લોકમાંગ
કુંકાવાવના ઘણા પ્રશ્ર્નો કે જેનો વર્ષોથી ઉકેલ આમ જનતા શોધી રહી છે. જેમાં પ્રાથમિક સુવિધા કે જે એક તાલુકા મથકમાં હોવી જોઈએ. કુંકાવાવ, વડિયાના કુલ ૪૫ ગામ છે. જેમાં ૨૩ વડીયાને ૨૨ કુંકાવાવ તાલુકા હેઠળ આવે છે. કુંકાવાવમાં મોટી ઓફિસ તરીકે માત્ર ને માત્ર એક તાલુકા પંચાયત કચેરી આવેલ છે. જયારે વડીયા મથકને મામલતદાર ઓફિસ, કોર્ટ, પોલીસ સ્ટેશન, પુરવઠા કચેરી જેવા મહત્વના વિભાગ ટ્રેઝરી ઓફિસનો સમાવેશ કરવામાં આવ્યો છે. કુંકાવાવથી વડીયાનું અંતર ૨૬ કિ.મી. છે તો કુંકાવાવથી અમરેલીનું અંતર પણ ૨૬ કિ.મી. છે.જીલ્લા અને તાલુકા મથકના સેન્ટર વચ્ચે આવેલ કુંકાવાવ ગામ તેમજ તેમના ગામડાના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
બીજી તરફ ૨૦૧૫ના પુર પ્રલયમાં કુંકાવાવ ગામના એરીયામાં ઘનશ્યામનગર વધુ પર પ્રભાવિત થયેલ ત્યારબાદ પુરના હિસાબો ઘર પાસે તેમજ રસ્તા પર કાંપ આવતા જમીનનું લેવલ ઉંચુ બની ગયું છે તો ઘરના ફળિયા નીચા બન્યા છે. તેમાં પણ માટીનું પુરાણ કરતા હાલમાં ચોમાસાની સીઝન નજીક હોય ઘર કરતા બજારનું રસ્તાનું લેવલ ઉંચુ હોવાથી વરસાદી પાણીના નિકાલનો મુદો હાલ નગરજનોને સતાવી રહ્યો છે. ભુગર્ભ ગટર બ્લોક હોવાથી પાણીનો નિકાલ કઈ રીતે કરવો તે વિચાર હાલ નગરજનો કરી રહ્યા છે. ભુગર્ભ ગટર યોજનામાં કરોડો રૂપિયાના ખર્ચ બાદ ઉપરથી યોગ્ય સફાય મેનેજમેન્ટના અભાવે ગટરના ખરાબાનું પાણી રસ્તા પર ફરી રહ્યું છે. આ પ્રશ્ર્નથી અધિકારીઓ સંપૂર્ણપણે અજાણ હોય તેવું વર્તન કરતા હોવાના પણ લોકો આક્ષેપ લગાવી રહ્યા છે. ઉચ્ચ અધિકારીઓ પ્રધાન નેતાજીઓ એકવાર રૂબરૂ મુલાકાતે ચકાસણી કરે તેવી પણ પ્રજાજનોની માંગ ઉઠવા પામે છે.