બેન્કમાંથી લોન લઈ નાણા નહીં ભરનાર વ્યકિત, પેઢી અને કંપનીઓ વિરુઘ્ધ જિલ્લા કલેકટરનું કડક પગલું
રાજકોટ શહેર અને જિલ્લાની જુદી-જુદી બેંકોમાંથી લોન લઈ નાણા ભરપાઈ કરવામાં હાથ ઉંચા કરી લેનાર ૯૫ આસામીઓ સામે જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ સિકયુરાઈઝેશન એકટનું શસ્ત્ર ઉગામી આશરે ૨૨૧ કરોડ રૂપીયા વસુલવા મામલતદારને આવા બાકીદારોની મિલકત જપ્ત કરવા વધુ એક હુકમ કરતા બેંકોને ચુનો લગાડનાર આસામીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ સીકયુરાઈઝેશન એન્ડ વી કન્ટ્રકશન ઓફ ફાયનાન્સીયલ એસેટ એન્ડ એન્સ્પોમેન્ટ ઓફ સિકયુરીટી ઈન્ટ્રસ્ટ એકટ ૨૦૦૨ની કલમ ૧૪ હેઠળ રાજકોટની જુદી-જુદી બેંકોમાંથી લોન લેનારા ૯૫ આસામીઓ સામે બેંકોએ નાણા વસુલવા દરખાસ્ત કરતા બાકીદારોની સિકયોર્ડ એસેટનો કબજો સિકયોર્ડ ક્રેડીટર એટલે કે બેંકને અપાવવા માટે કાર્યવાહી હાથધરી છે.
જે અન્વયે રૂ.૨૨૧,૯૭,૮૫,૯૨૬ એટલે કે ૨૨૧ કરોડ ૯૭ લાખ ૮૫ હજાર ૯૨૬ની વસુલાતની કામગીરી કરવા માટે જે-તે લગત મામલતદારોને બાકીદારોની મિલકતો જપ્ત કરવા માટે આદેશ જારી કર્યો છે.
વધુમાં આ હુકમ અન્વયે બેંકો પાસેથી લોન લેનારા આસામીઓની રૂ.૫ લાખથી વધુની બાકી રકમ હોય તેવા મેસર્સ ભાવિન ટ્રેડીંગ, રાધે એગ્રો, ક્રિષ્ના એન્ટરપ્રાઈઝ, મયુર અને દેવાંગ ઈન્ડસ્ટ્રી, હરીઓમ મેટલ્સ, સલોની ગૃહઉધોગ, ચેમ્પીયન એગ્રો, રોમીકા ઈન્ડસ્ટ્રી, રઘુવીર ટ્રેડીંગ, બાલાજી ટ્રેડીંગ, જય અંબે સ્ટીલ, રઘુવંશી ફાયબર્સ, ભાગ્યોદય પૌવા ફેકટરી, ચામુંડા એન્જીનીયરીંગ, ભારમલ ક્રિએશન, દ્રારા એન્ટરપ્રાઈઝ, રાધીકા ફુડ પ્રોડકટ, સંતોષ કોટન એન્ડ સ્પીન, સ્પીડવેલ એન્જીનીયરીંગ, કુબેર ફ્રેમ વર્કસ, અમર કોટેક્ષ, માતી જીનિંગ એન્ડ પ્રોસેસીંગ, મેસર્સ આર્યમાન, ઈન્ટેકસ, રામક્રિષ્ના કોટ જીન, ઠકકર ફુડ પેકર્સ, તુલસી ટ્રેનીંગ સહિતના વ્યકિત, કંપની અને પેઢીઓ સામે બાકી નીકળતી રકમ વસુલવા તેઓની મિલકત જપ્ત કરવા આદેશ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેકટર દ્વારા જપ્તી હુકમ કરાતા ૪ આસામીઓ દ્વારા ૧,૬૦,૯૨,૫૧૩ની રકમ ભરપાઈ કરવામાં આવી છે.
આ સંજોગોમાં જિલ્લા કલેકટર તંત્ર દ્વારા બેંકોમાંથી લોન લઈ બાકી નાણા નહીં ચુકવનાર આસામીઓને રાષ્ટ્રહિતમાં બાકી નાણા ચુકવી જપ્તીની કાર્યવાહીમાં બચવા સલાહ પણ આપવામાં આવી છે.