રાજકોટના ધોરાજી શહેરની જનતાએ અવારનવાર અપનાવેલ આંદોલનના માર્ગના અંતે રોડ રસ્તા,ભૂગર્ભ ગટરો જેવી પાયાની સુવિધાઓ માંડ માંડ પ્રાપ્ત થઈ છે.ત્યારે શહેરમાં તાજેતરમાં જ નવા બનેલા ડામર રોડ ખૂદ શહેરજનો માટે માથાનો દુઃખાવો બનવા પામ્યા છે.
વાત કરીએ ધોરાજી શહેરમાં હાર્દસમા ત્રણ દરવાજાથી લઈને સોની બજાર સુધીના તાજેતરમાં જ નવા બનેલા ડામર રોડની તો ડામર સપાટીથી મઢેલા ડામર રોડ પર અસહ્ય ગરમીને કારણે ડામર પીગળવા લાગ્યો છે.ડામર રોડના કામ બાદ અમૂક જગ્યાએ રોડ પર સિમેન્ટ,કેમીકલ જેવાં પદાર્થોનું ફિનીશીંગ ટચ કરવામાં આવ્યું નથી.તો અમૂક જગ્યાએ ઓછી માત્રામાં આવી કામગીરી કરવામાં આવી હોવાથી અસહ્ય ગરમીને લઈને રસ્તાનો ડામર રેલાવા લાગ્યો છે.જેમને લઈને રસ્તા પર ચાલતા રાહદારીઓના પગ ચોટી જવાં સહિતના દ્રશ્યો શહેરની મેઈન બજારમાં જોવા મળી રહ્યાં છે.તો રાહદારીઓ ના કપડાંમાં ડામરના ડાઘ પડતાં જોવા મળી રહ્યાં છે.આ સાથે જ અકસ્માતનો ભય પણ લોકો વ્યક્ત કરી રહ્યાં છે.જેમને લઈને તંત્ર દ્વારા ઘટતું કરવા માટે તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.હાલતો ધોરાજીની જનતાને માર્ગ ન હતો તો પણ મુસિબત અને માર્ગ નવો બંધાયો તો પણ મુસિબત ત્યારે આવી મુસિબતોથી લોકોને ક્યારે છૂટકારો મળશે એ જ જોવાનું રહ્યું છે…