મોબાઈલના પ્રશ્ર્ને થયેલા ઝઘડાના કારણે હત્યા કરનાર બંનેની ધરપકડ
શહેરના ગણેશનગર રાત્રીના સેકટર ૬માં રહેતા યુવાનનો બે ભાઈઓએ મોબાઈલ લઈ લેતા તે લેવા ગયો હતો. જેને પગલે ઉગ્ર બોલાચાલી થતાં આરોપી ઉશ્કેરાઈ ગયા હતા અને એક શખ્સે યુવકને પકડી રાખ્યો હતો. જયારે બીજાએ માથામાં ધારિયા વડે જીવલેણ પ્રહાર કરી યુવાનને મોતને ઘાટ ઉતારી નાખતા ચકચાર મચી ગઈ હતી.ગાંધીધામ બી ડીવીઝન પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ શહેરના ગણેશનગર વિસ્તારમાં આ ચકચારી બનાવ બન્યો હતો. સેકટર ૬ મધ્યે મકાન નંબર ૪૫૧માં રહેતા જીતેશ ખીમજી પુંજા નિંજાર (ઉ.વ.૨૨)નો ગણેશનગર ઝુપડામાં રહેતા આરોપી મુકેશ નથુ કટુવા અને તેનો ભાઈ રાજેશ નથુ કટુવાએ મોબાઈલ લઈ લીધો હતો.
થી સોમવારના રાત્રીના ૧૧ વાગ્યાના અરસામાં જીતેશ મોબાઈલ લેવા આરોપીના ઘર પાસે ગયો હતો. જીતેશને મોબાઈલ લેવા આવતો જોઈ લેતા આરોપીએ બોલાચાલી કરી હતી. જેમાં મામલો ઉગ્ર બની ગયો હતો. પરિણામે આરોપી રાજેશે જીતેશને પકડી રાખ્યો હતો.જયારે મુકેશ હાથમાં ધારિયું ધારણ કરી જીતેશને માથાના ભાગે જીવલેણ પ્રહાર કરતા ગંભીર ઈજાઓ થઈ હતી. જેથી જીતેશ ત્યાં જ કણસતી હાલતમાં ઢળી પડયો હતો. આ દરમિયાન ઘટનાની જાણ થતા જીતેશના પિતા ખીમજી પુંજા નિંજાર બનાવ સ્થળે દોડી ગયા હતા. ત્યારબાદ પુત્રને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો પરંતુ હતભાગીને સારવાર સાંપડે તે પહેલા જ ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા આક્રંદ ફેલાઈ ગયું હતું. ત્યારે હત્યાના હિચકારા બનાવ બાદ બી ડિવીઝન પોલીસે ખીમજી નિંજારની ફરિયાદ પરથી આરોપી ભાઈઓ સામે ગુનો નોંધી પીએસઆઈ કે.એમ.સોલંકીએ મુકેશ અને રાજેશની ધરપકડ કરી છે.