ધારાસભ્ય લલીત વસોયાનો વટ: તાલુકા પંચાયત ખાતે નવા હોદેદારોને વધાવવા કોંગ્રેસના આગેવાનો-કાર્યકરોના ધાડેધાડા ઉતરી પડયા
ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી અધિકારી સમક્ષ માત્ર બે ફોર્મ રજુ થતા તાલુકા પંચાયતમાં કોંગ્રેસે સતા જાળવી રાખવામાં સફળતા મળી છે અને ધારાસભ્ય વસોયાનો વટ અકબંધ રહેવા પામ્યો છે. આજે યોજાઈ રહેલી તાલુકા પંચાયતના અઢી વર્ષ માટે નવા પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણી માટે ગઈકાલે ચુંટણી અધિકારી સમક્ષ પ્રમુખ તરીકે જયાબેન લાખાભાઈ ડાંગર અને ઉપપ્રમુખ તરીકે નસીમાબેન સુમરાએ ફોર્મ રજુ કર્યા બાદ અન્ય કોઈ ઉમેદવારે ફોર્મ રજુ નહીં કરતા આજે બંને ઉમેદવારો બિનહરીફ થવા પામેલ હતા.
આજે બપોરે તાલુકા પંચાયતના સભાખંડમાં ધોરાજી પ્રાંત અધિકારી તુષાર જોષીના અધ્યક્ષસ્થાને તેમજ ટીડીઓ પી.ડી.દઢાણીયાની હાજરીમાં યોજાયેલ ઔપચારિક બેઠકમાં પંચાયતના સભ્યો હાજર રહેલા હતા. તેમાં ગઈકાલે પ્રમુખ અને ઉપપ્રમુખના એક એક ફોર્મ ભરાયા હતા
ત્યારે આજે ચુંટણી અધિકારી તુષાર જોષીએ ઉપલેટા તાલુકા પંચાયતના અઢી વર્ષ માટે પ્રમુખ તરીકે સેવેત્રા બેઠક ઉપરથી બીજી વખત ચુંટાયેલા જયાબેન લાખાભાઈ ડાંગર અને ઉપપ્રમુખ તરીકે પડવલા બેઠક ઉપરથી ચુંટાયેલા નસીમાબેન સુમરાને બિનહરીફ વિજેતા જાહેર કરેલા હતા. નવા વરાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખને પંચાયતના ગ્રાઉન્ડમાં વિશાળ સંખ્યામાં હાજર રહેવા કોંગ્રેસના કાર્યકરોએ ફટાકડા ફોડી આતશબાજી કરી વધાઈ આપેલ હતી.
આ તકે નવા વરાયેલા પ્રમુખ જયાબેન ડાંગર અને ઉપપ્રમુખ નસીમાબેન સુમરાને ધારાસભ્ય લલીતભાઈ વસોયા, તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઈ ડાંગર, કારોબારી સમિતિના ચેરમેન જયદેવસિંહ વાળા કોંગ્રેસના આગેવાનો કૃષ્ણકાંતભાઈ ચોટાઈ સુધરાઈ સભ્યો ભુપતભાઈ કનેરીયા, રઘુવીરસિંહ સરવૈયા, રિયાજભાઈ હિંગોરા, હાજીભાઈ શિવાણી, બોદુભાઈ શેખે શુભેચ્છા પાઠવી હતી.
આજે વિજેતા જાહેર થયેલા પ્રમુખ-ઉપપ્રમુખ બંને કોંગ્રેસ પક્ષના છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસ હસ્તકની તાલુકા પંચાયતો ભાજપે ખુચવી લીધી છે.
જયારે રાજકોટ જીલ્લામાં ધોરાજી-ઉપલેટા તાલુકા પંચાયત કોંગ્રેસે પોતાનું શાસન જાળવી રાખી બંને પંચાયતોના હોદેદારો બિનહરીફ વિજેતા કરાવી ઉપલેટા-ધોરાજીના લડાયક ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ પોતાનો વટ અકબંધ રાખી પ્રદેશ કોંગ્રેસની નેતાગીરીને પોતાનો સંદેશો મોકલી સાથે સાથે કાર્યકરો અને ચુંટાયેલા સભ્યો કોંગ્રેસ પક્ષમાં વિશ્ર્વાસ છે
તેવું ઉપરોકત બંને તાલુકા પંચાયતના હોદેદારો બિનહરીફ વિજેતા જાહેર થતા સાબિત કરી દીધું છે. ધારાસભ્ય લલીતભાઈને દંફાવા રાજયમાં અંદરોઅંદર માથાકુટ થાય તે માટે અનેક કાવાદાવાઓ ખેલાયા પણ રાજકારણના ખેલાડી ધારાસભ્ય લલીત વસોયાએ કોઇની કારી ફાવવા દિધી નહોતીને મનની મનમાં રાખી દીધી હતી.
ઉપલેટા તાલુકા પંચાયતના સ્થાપનાકાળથી આજદિન સુધી પંચાયતના પ્રમુખ તરીકે કોઈ મહિલા પ્રમુખ બિનહરીફ વિજેતા થયેલા હોય તેવા એકમાત્ર આજે ચુંટાયેલા જયાબેન લાખાભાઈ ડાંગર છે. પંચાયતની સ્થાપનાકાળથી આજસુધીમાં પંચાયતના પ્રમુખપદ પર જયાબેન ડાંગર અને ઉપપ્રમુખપદ પર નસીમાબેન સુમરા બંને મહિલા પ્રમુખ-ઉપપ્રમુખ બનવાનું બહુમાન મેળવે છે.
ઉપલેટા તાલુકા પંચાયતના નવનિયુકત પ્રમુખ જયાબેન લાખાભાઈ ડાંગર તેના પતિ હાલ પંચાયત પ્રમુખ લાખાભાઈ ડાંગરના અનુગામી બનેલા છે. અગાઉ પણ પાંચ વર્ષ પ્રમુખ તરીકે જયાબેન ડાંગર રહી ચુકયા હતા ત્યારે પત્ની જયાબેનના અનુગામી પણ લખાભાઈ બન્યા હતા.