ચોમાસા દરમિયાન મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધુ જોવા મળે છે. મચ્છરથી જ મેલેરિયા ફેલાઇ છે, મેલેરિયા નિયંત્રણ માટે મચ્છરની ઉત્પતિ અટકાવવી જરૂરી છે. મચ્છરજન્ય રોગોથી બચવા આપણે કેટલીક તકેદારી લેવાની રહે છે. પીવાના તેમજ ઘરવપરાશના પાણી ભરેલા ટાંકા-ટાંકી કે કોઠીને હવાચુસ્ત ઢાંકણા અથવા જાડા કપડાથી બંધ કરવા, પાણીની ટાંકી, કોઠી, કુંડી તમામને દર અઠવાડિયે ખાલી કરવા તથા ફુલદાની, કુલર, સિમેન્ટની ટાંકીઓના પાણી દર ચોથા દિવસે ખાલી કરી અંદરની સપાટી કાથીની દોરી વડે ઘસી બરાબર સાફ કરી સુકવીને પછી જ ઉપયોગમાં લેવા અને ચુસ્ત ઢાંકણાથી બંધ કરવા, બંધિયાર પાણીના ખાડા-ખાબોચિયાનો નિકાલ કરવો, તેમાં બળેલા ઓઇલનો છંટકાવ કરવો, બંધ પડેલી ગટરોની સાફસફાઇ કરવી અને ચાલુ કરાવવી, આજુબાજુમાં ઉગેલુ ઘાસ કઢાવવુ તથા ડસ્ટીંગ કરાવવું, મચ્છર ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરવો, સંડાસ-બાથરૂમની વેન્ટ પાઇપો પર પાતળા આછા કપડાથી બંધ કરવી,
શહેર કે આજુબાજુના વિસ્તારોમાં મકાન બાંધવાની કામગીરી શરૂ અથવા બંધ હોય ત્યારે બનાવેલ પાણીની કુંડીમાં મચ્છર ઉત્પન્ન થાય નહિ તે માટે કોન્ટ્રાક્ટરે ખાસ કાળજી લેવી, પાણીના સ્થળો પર પોરા/લાર્વાઓનો નાશ કરવો, પાણીની મોટી ટાંકીઓમાં પોરાભક્ષક માછલી મૂકવી અને ઘરમાં રોજ સવાર-સાંજ લીમડા અને લીલા ઘાસનો ધુમાડો કરી બારી-બારણા ત્રીસ મિનિટ બંધ રાખવા જોઇએ. આ ઉપરાંત મચ્છરથી બચવા દવાયુક્ત મચ્છરદાનીનો જ ઉપયોગ કરવો, રીપેલેન્ટનો ઉપયોગ કરવો, સંધ્યા સમયેથી જ બારી-બારણા બંધ રાખવા અને શરીર પૂરતું ઢંકાય તેવા કપડા પહેરવા, ઘરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવો.
ચોમાસા દરમિયાન તાવ આવે તો નજીકના આરોગ્ય કેન્દ્ર પર મેલેરિયા છે કે કેમ તેની તપાસ કરાવી યોગ્ય સારવાર લેવી જરૂરી છે તેમ રાષ્ટ્રીય વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત પ્રિ-મોન્સુન પગલા લેવા અને વાહક જન્ય રોગ મેલેરીયા,ડેંગ્યુ, ચીકનગુનિયાનો ફેલાવો જે મચ્છર દ્વારા થાય છે તેને અટકાવવા જિલ્લા મેલેરીયા વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જેમાં વિવિધ વિભાગોને કરવાની થતી કામગીરી પણ સ્પષ્ટ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ, માહિતી વિભાગ, રેવન્યુ વિભાગ, શિક્ષણ વિભાગ, સિંચાઇ વિભાગ, પાણી પુરવઠા અને વાસ્મો વિભાગ, કૃષિ અને સહકાર વિભાગ, જિલ્લા રજીસ્ટ્રાર અને સહકારી મંડળીઓ, ઉદ્યોગ વિભાગ, શહેરી વિકાસ વિભાગ, પંચાયત વિભાગ, બાંધકામ વિભાગ, સ્ટેટ ટ્રાન્સપોર્ટ વિભાગ, વિજ વિભાગ, ઈન્ડીયન મેડીકલ એશોસીયેશન, આયુર્વેદ વિભાગ, ફુડ એન્ડ ડ્રગ વિભાગ, પોલીસ વિભાગ, ડેરી, લીડબેંક, આર.ટી.ઓ, વનવિભાગ, ખાણ અને ખનીજ વિભાગ, સહિત વિવિધ વિભાગોને ઋતુ જન્ય રોગોથી બચવા પ્રિ-મોન્સુન કરવાની થતી કામગીરી અંગે જાણકારી આપવામાં આવી હતી.
જૂનાગઢ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સી.એ. મહેતા, જિલ્લા મેલેરીયા અધિકારી હરસુખભાઇ રાદડીયા, એપેડેમીક ઓફીસર ડો. ચંદ્રેશ વ્યાસ, ડો. સંજયકુમાર, ડો. હારૂન ભાયા સહિત જિલ્લાની ટીમ પ્રિ-મોન્સુન કલીનીંગ તથા સોર્સ રીડક્શનની કામગીરી માટે તૈયાર હોવાનું જણાવાયુ છે.