બાઈક અને દારૂ મળી રૂ.૫૫ હજારનો મુદામાલ જપ્ત
શહેરમાં દારૂની બદીને ડામવા પોલીસ દ્વારા બુટલેગરોને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે. ત્યારે વધુ ત્રણ સ્થળે કુંભારવાડા, ગાંધીગ્રામ અને કે.કે.વી. હોલ નજીક દારૂનું વેચાણ થતુ હોવાની બાતમીનાં આધારે પોલીસે રૂ.૫૫૫૦૦ના મુદામાલ સાથે ત્રણ બુટલેગરને ઝડપી લીધા હતા. જયારે નાસી ગયેલા બુટલેગરને પકડી પશડવા ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કુંભારવાડા મેઈન રોડ પર રહેતા હિતેશ ચમનલાલ ગોપાણીએ વેચાણ અર્થે વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમીનાં આધારે એ ડીવીઝન પોલીસે દરોડો પાડી રૂ. ૪૬૨૦૦ની કિમંતની ૧૧૮ બોટલ દારૂ ઝડપી લીધો હતો. જયારે દરોડા દરમિયાન નાસી ગયેલા બુટલેગરે પકડી પાડવા એએસઆઈ એસ.એન. જાડેજા સહિતના સ્ટાફે ચક્રોગતિમાન કર્યા છે.
જયારે બીજા બનાવમાં રૈયા રોડ પર મિરાનગરમાં રહેતા કીંજલ ભરત સોલંકી નામનો બુટલેગર ગાંધીગ્રામ મેઈન રોડ પર વિદેશીદારૂની હેરાફેરી કરતો હોવાની બાતમીનાં આધારે ગાંધીગ્રામ પોલીસે દરોડો પાડી રૂ.ચાર હજારની કિંમતની વિદેશીદારૂની ૧૦ બોટલ અને બાઈક મળી કુલ રૂ.૩૪ હજારના મુદામાલ સાથે દબોચી લીધો હતો. પીએસઆઈજી.એન. વાઘેલાએ ગૂનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ ઉપરાંત કેકેવી હોલ નજીક આશીક રમણીકલાલ ડઢાણીયા અને હિતેશ ચીમનલાલ ભાવડીયા વિદેશી દારૂની હેરાફેરી કરતા હોવાની બાતમીનાં આધારે યુનિ. પોલીસે દરોડો પાડી રૂ.૫૯૦૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. આ બનાવ અંગે પીઆઈ એમ.ડી. ચંદ્રાવાડીયા સહિતના સ્ટાફે દારૂ કયાંથી અને કોના માટે લાવ્યા હોવાની પૂછપરછ આદરી છે.