ખિસ્સા કાતરું ત્રિપુટીએ મોરબીના જુના બસસ્ટેન્ડમાં ૧૦ હજારનો હાથ માર્યા બાદ ભાગ બટાઈમાં ડખ્ખો

મોરબીમાં મર્ડર કરી ચીનાએ રાજકોટમા છરી ઝીકી લૂંટ કરીને ફસાયો

બુરા કામનો બુરો અંજામ ઉક્તિ મુજબ મોરબીમાં બે દિવસ પહેલા થયેલી અજાણ્યા યુવાનની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે, મૃતક યુવાનની ઓળખ મળ્યા બાદ પોલીસ તપાસમાં ખિસ્સા કાપવાના ગોરખધંધામાં ભાગબટાઈ માં વાંધો પડતા મિત્રએ જ  મિત્રની હત્યા કરી હોવાનું ખુલતા પોલીસે હત્યારા મિત્રની ધરપકડ કરી છે અને હજુ એક શખ્સને પકડવાનો બાકી છે.

મોરબીની આ ચકચારી ઘટનાની વિગતો જોઈએ તો, રવિવારે મોરબીના શોભેશ્વર રોડ પાણીના ટાકા સામે મફતીયાપસ યોગીનગરની ધાર પાસે અજાણ્યા યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી અને કલાકોની જહેમત બાદ પણ આ અજાણ્યા યુવાનનો પતો લાગ્યો ન હતો બાદમાં વોટ્સએપમાં વાઇરલ થયેલા યુવાનના ફોટાના આધારે આ યુવાન મહેશ મુન્નાભાઈ બદુરીયા ઉ. ૨૦ રે.વીરપુર જલારામ,તા.જેતપુર, જી.રાજકોટ વાળો  હોવાનું બહાર આવ્યું હતું.

બીજી તરફ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફ તથા મોરબી લોકલ કાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટાફ દ્રારા સંયુકત રીતે અલગ અલગ ટીમો બનાવી હત્યાને અંજામ આપનાર આરોપીઓ અંગે તપાસ શરૂ કરતા આ હત્યા  આરોપી અજય ઉર્ફે ચીનો જગદિશભાઇ રાવલ જાતે નેપાળી બ્રાહમણ ઉ.૨૦ રહે. રાજકોટ જુના માર્કેટીંગ યાર્ડ પાસે વાળાએ પોતાના સહ આરોપી શૈલેષભાઇ ઉર્ફે તીતલીપોપટ ઉર્ફે ભોલો ઉર્ફે એલીયન રણછોડભાઇ ચાવડા જાતે કોળી રહે.રાજપર તા ચોટીલા જી સુરેન્દ્રનગર વાળા સાથે મળીને કરી હોવાનું ખુલતા પોલીસે અજય ઉર્ફે ચીનાને દબોચી લીધો હતો.

દરમિયાન પોલીસના હાથે ઝડપાયેલા અજય ઉર્ફે ચીનાએ હત્યા કબૂલી વટાણા વેરી નાખતા જણાવ્યું હતું કે મૃતક મહેશ સાથે મળી પોતે તેમજ સાગરીત શૈલેષ ઉર્ફે તીતલી પોપટની ત્રિપુટી સાથે મળી અવાર નવાર મોરબીમાં બસસ્ટેન્ડમા ખિસ્સા કાપવા આવતા હતા અને આ હત્યા પૂર્વે જુના બસસ્ટેન્ડ મોરબીમાં ખિસ્સું કાપતા ૧૦,૦૦૦ રૂપિયાનો દલ્લો હાથ લાગ્યો હતો.

પરંતુ મૃતક મહેશે ભાગ બટાઈમાં અંચાઈ કરી ૮૦૦૦ પોતાની પાસે રાખી લઈ બાકીના પૈસા બન્ને આરોપીઓને આપતા શૈલેષ ઉર્ફે તીતલીપોપટ અને અજય ઉર્ફે ચીનાએ સાથે મળી મહેશનું કાસળ કાઢી નાખ્યું હતું.આ ભેદભરમ વાળા હત્યાકેસનો ભેદ ઉકેલવા મોરબી ક્રાઇમ બ્રાન્ચ તથા મોરબી સીટી બી.ડીવી. પો.સ્ટે ના સ્ટાફને સંયુકત રીતે ઓપરેશન શરૂ કર્યું હતું અને ચોક્કસ હકિકત બાતમી મળતા અજય ઉર્ફે ચીનાને ત્રાજપર ચોંકડી પાસેથી ગુન્હાના કામમા ઉપયોગમાં લીધેલ હથીયાર છરી તથા મોબાઇલ નંગ-ર સાથે પકડી લીધો હતો જ્યારે

સહ આરોપી શૈલેષભાઇ ઉર્ફે તીતલીપોપટ ઉર્ફે ભોલો ઉર્ફે એલીયન રણછોડભાઇ ચાવડા જાતે કોળી રહે.રાજપર તા ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળો પકડવાનો બાકી છે.ઉલ્લેખનીય છે કે, આરોપી અજય ઉર્ફે ચીનાએ રાજકોટ શહેરમાં પણ ઇ પી કો ૩૦૭ ના ગુન્હાને અંજામ આપેલ હોવાની કબૂલાત આપતા ચોકી ઉઠેલી પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ શરૂ કરી તીતલી પોપટને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.