દેશની ૧૨ ફાસ્ટટ્રેક કોર્ટમાં દરરોજ સુનાવણી હાથ ધરાશે: કુલ ૩૬ ટકા સાંસદો-ધારાસભ્યો સામે ફરિયાદ
કેન્દ્ર સરકારે સાંસદો અને ધારાસભ્યો સામેના ૭૯૧ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ટ્રાન્સફર કર્યા હોવાનું કાયદા મંત્રી રવિશંકર પ્રસાદનું કહેવું છે. આ તમામ કેસ દેશની ૧૨ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલશે.
સાંસદો અને ધારાસભ્યો સામેના કેસના ઉકેલ ઝડપી આવે તે માટે વડી અદાલતના આદેશ અનુસાર સરકારે ૧૧ રાજયોમાં ૧૨ ફાસ્ટટ્રેક કોર્ટ ઉભી કરી છે તેવું મંત્રી રવિશંકર પ્રસાદે ચાર વર્ષની ઉપલબ્ધીઓની વિગતો આપતા કહ્યું હતું.
ગત વર્ષે કેન્દ્ર સરકારે વડી અદાલતને સાંસદો અને ધારાસભ્યો પરના કેસ મામલે એફીડેવીટ કરી વિગતો આપી હતી. જેમાં જણાવાયું હતું કે, ૧૭૬૫ સાંસદો અને ધારાસભ્યો સામે એટલે કે ૩૬ ટકા સાંસદો અને ધારાસભ્યો સામે કેસ નોંધાયા છે. આ તમામ સામે કુલ ૩૪૫ કેસ છે. જયારે સંસદ અને ધારાસભામાં કુલ સંખ્યા ૪૮૯૬ની છે.
દેશમાં છેલ્લા ચાર વર્ષમાં કેન્દ્ર સરકારે ૧૧ રાજયોમાં કુલ ૧૨ ફાસ્ટટ્રેક કોર્ટ ઉભી કરી મોટાભાગના કેસોનો નિકાલ કરવાનો પ્રયાસ કર્યો છે. આ અદાલતો દરરોજ સુનાવણી હાથ ધરી છે. અહીં ઉલ્લેખનીય છે કે, લોક પ્રતિનિધિઓ સામે સૌથી વધુ કેસ ઉત્તરપ્રદેશમાં નોંધાયા છે. ત્યારબાદ અનુક્રમે તામિલનાડુ, બિહાર, પં.બંગાળ, આંધ્રપ્રદેશ અને કેરળનો ક્રમ આવે છે.