વિશ્વમાં ૧૪મી જુનનો દિવસ ‘વિશ્વ રકતદાન દિવસ’ તરીકે મનાવાય છે. આ દિવસે ગોંડલના રાજવી પરિવારના કુંવર સાહેબ જયોર્તિમયસિંહજી જાડેજા રાજકોટમાં ‘લાઈફ બ્લડ સેન્ટર’ની મુલાકાતે આવ્યા હતા. આ પ્રસંગે રાજકોટની ગોકુલ હોસ્પિટલના ડો.પ્રકાશ મોઢા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દિવસ નિમિતે ‘લાઈફ બ્લડ સેન્ટર’માં રકતદાન કેમ્પના આયોજકોનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે-સાથે ચાર જુદા જુદા સ્થળે રકતદાન કેમ્પ પણ યોજવામાં આવ્યા હતા.
ગોંડલના કુંવર સાહેબ જયોર્તિમયસિંહજી જાડેજાએ વિશ્ર્વ રકતદાન દિવસ નિમિતે રકતદાન કરી પવિત્ર ફરજ બજાવી હતી. તેઓની સાથે અભિજિતકુમારે પણ રકતદાન કરી માનવતાનું ઉમદા ઉદાહરણ પુરુ પાડયું હતું. તેઓએ લાઈફ બ્લડ સેન્ટરના દરેક વિભાગો વિશે માહિતી પ્રાપ્ત કરી હતી. લાઈફ બ્લડ સેન્ટરની અત્યાધુનિક ટેકનોલોજીથી તેઓ અત્યંત પ્રભાવિત થયા હતા.
કુમાર જયોર્તિમયસિંહજી જાડેજાએ લાઈફ બ્લડ સેન્ટર ઉપરાંત ગ્રીન ફિલ્ડ પ્રોજેકટ તેમજ ‘લાઈફ’ની પણ મુલાકાત લઈ વિવિધ વિભાગો નિહાળ્યા હતા. તેઓએ લાઈફ દ્વારા થતી માનવકલ્યાણલક્ષી સેવાકીય પ્રવૃતિઓ વિશે માહિતી મેળવી પ્રશંસા વ્યકત કરી હતી. વિશ્વ રકતદાન દિવસ નિમિતે લાઈફ બ્લડ સેન્ટરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં રકતદાન કેમ્પના આયોજકોનું મોમેન્ટો અર્પણ કરીને ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમની સેવા-પ્રવૃતિઓને ‘લાઈફ બ્લડ સેન્ટર’ના વિનુભાઈ માઉ અને કે.એચ.ભટ્ટ દ્વારા બિરદાવવામાં આવી હતી. આ દિવસ નિમિતે આત્મીય કોલેજ, બેન્ક ઓફ બરોડા, રાજકોટ, બેન્ક ઓફ બરોડા, ગોંડલ તેમજ જોયાલુકકાસ ખાતે રકતદાન કેમ્પ પણ યોજવામાં આવ્યા હતા. જેમાં અનેક લોકોએ રકતદાન કર્યું હતું.