યોગ્ય સ્થાન ન મળતા સિનિયર કોર્પોરેટર બાબુભાઈ આહિરની ભાજપના કદાવર નેતાઓ સાથે ઉગ્ર જીભાજોડી: સમિતિ ચેરમેન ન બનાવાતા દુર્ગાબા જાડેજા બોર્ડ છોડી ચાલ્યા ગયા
મહાપાલિકામાં આજે મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓની નિમણુક માટે આજે મળેલી જનરલ બોર્ડની બેઠક બાદ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષમાં કચવાટ જોવા મળ્યો હતો.
પદાધિકારીઓની નિમણુક બાદ ભાજપમાં રિતસર ભડકો થયો હતો અને વિરોધ વંટોળ ફાટી નીકળ્યો હતો. નિમણુક સામે વોર્ડ નં.૧ના સિનીયર કોર્પોરેટર બાબુભાઈ આહિર અને મહિલા કોર્પોરેટર દુર્ગાબા જાડેજામાં ભારોભાર અસંતોષ જોવા મળ્યો હતો.
વોર્ડ નં.૧ના સિનીયર કોર્પોરેટર બાબુભાઈ આહિરનું નામ ડે.મેયર અથવા શાસક પક્ષના નેતા તરીકે હોટ ફેવરિટ માનવામાં આવતું હતું. દરમિયાન આજે જયારે મુખ્ય પાંચ પદાધિકારીઓની નિમણુક કરવામાં આવી ત્યારે બાબુભાઈ આહિરને ફરી એકવાર ખાસ સમિતિના ચેરમેનપદ આપી દેવાતા તેઓએ વિરોધ વ્યકત કર્યો હતો. શહેર ભાજપના બે કદાવર નેતાઓ સાથે તેઓએ ટેલીફોન પર ઉગ્ર જીભાજોડી કરી હોવાનું પણ ચર્ચાય રહ્યું છે.
જનરલ બોર્ડમાં પણ બાબુભાઈ આહિર ગેરહાજર રહેતા ભાજપમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ ઉપરાંત વોર્ડ નં.૧ના ભાજપના મહિલા કોર્પોરેટર દુર્ગાબા જાડેજાને સમિતિ ચેરમેનપદ ન મળતા તેઓએ પણ અસંતોષ વ્યકત કર્યો હતો.
તેઓ બોર્ડમાં માત્ર સહી કરવા પુરતા હાજર રહ્યા હતા અને બોર્ડ પુરુ થાય તે પહેલા જ સભાગૃહ છોડી નીકળી ગયા હતા. પાંચ મુખ્ય પદાધિકારીઓની નિમણુક બાદ પક્ષના સિનીયરોમાં પણ કચવાટ જોવા મળ્યો હતો. ડે.મેયરપદ મળવા છતાં અશ્ર્વિનભાઈ મોલીયાના ચહેરા પર ખુશાલી જોવા મળતી ન હતી જે પણ એક ચર્ચાનો મુદ્દો બન્યો છે.