શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂતે સ્ટેન્ડિંગ કમિટીના બે સભ્યોની નિમણુક અંગે વિપક્ષી નેતાને જાણ કરવાના બદલે શહેર ભાજપ પ્રમુખને લીસ્ટ આપી દેતા વશરામ સાગઠિયા જુથ વિફયુર્ં
વર્ષ ૨૦૧૫માં યોજાયેલી મહાનગરપાલિકાની ચુંટણીમાં ૩૪ બેઠકો પર જીત હાંસલ કરી એક સક્ષમ વિપક્ષ તરીકે ઉભરી આવેલા કોંગ્રેસમાં કોઈ કાળે કકળાટ શાંત થવાનું નામ લેતો નથી. આજે મહાપાલિકામાં પદાધિકારીઓની નિમણુક કરવા માટે જનરલ બોર્ડની બેઠકમાં વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠિયા સહિત કોંગ્રેસના ૧૫ કોર્પોરેટરો સાગમટે ગેરહાજર રહેતા પંજો ભયંકર જુથવાદમાં ફસાયો હોવાનું પ્રતિત થતું હતું. શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂતે સ્ટેન્ડિંગ કમિટીના બે સભ્યોની નિમણુક અંગે વિપક્ષી નેતાને જાણ કરવાના બદલે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીને ઘેર જઈને નામાવલીનું લીસ્ટ આપી દેતા વશરામ સાગઠિયા જુથ વિફર્યું હોવાનું મનાઈ રહ્યું છે. કોંગ્રેસમાં કકળાટ શરૂ થતા મહાપાલિકામાં વિરોધ પક્ષના નેતાની નિમણુક ઘોંચમાં પડે તેવી સંભાવના જણાઈ રહી છે.
વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયાએ આ અંગે જણાવ્યું હતું કે, મહાપાલિકામાં વિરોધ પક્ષના નેતા અને સ્ટેન્ડિંગ કમિટીમાં કોંગ્રેસના બે સભ્યોની નિમણુક કરવા માટે સર્વસંમતી સધાય તે માટે ગઈકાલે હોટલ જયસન્સ ખાતે એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં ૨૨ કોર્પોરેટરો હાજર રહ્યા હતા. આ તમામે એક લેટર શહેર કોંગ્રેસ પ્રમુખને આપ્યો હતો. જેમાં એવી જાણ કરાઈ હતી કે આ ૨૨ પૈકી કોઈપણ કોર્પોરેટરની વિરોધ પક્ષના નેતા તરીકે કે સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય તરીકે નિમણુક કરવામાં આવશે તો અમને કબુલ મંજુર છે.
દરમિયાન આજે સવારે શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપુતે સ્ટેન્ડિંગ કમિટીના કોંગી સભ્ય તરીકે નીતિનભાઈ રામાણી અને ઘનશ્યામસિંહ જાડેજાની નિમણુક અંગેની જાણ મને વિરોધ પક્ષના નેતા તરીકે કરવાને બદલે આ બંને સભ્યોના નામાવલીનું લીસ્ટ કમલેશ મિરાણીના ઘરે જઈને સોંપી દીધું હતું. મને કોઈ વ્યકિત સામે વાંધો નથી પરંતુ પક્ષની સિસ્ટમ સામે વાંધો છે. સભ્યોની નિમણુક સામે વિરોધ હોવાના કારણે આજે જનરલ બોર્ડમાં ગીતાબેન પુરબીયા, અતુલભાઈ રાજાણી, દિલીપભાઈ આસવાણી, સીમીબેન જાદવ, રવજીભાઈ ખીમસુરીયા, મકબુલ દાઉદાણી, વશરામભાઈ સાગઠિયા, રસિલાબેન ગરૈયા, સ્નેહાબેન દવે, હારૂન ડાકોરા, ગાયત્રીબેન ભટ્ટ, જયાબેન ટાંક અને ધર્મિષ્ઠાબા જાડેજા ગેરહાજર રહ્યા હતા.
જયારે પરેશભાઈ હરસોડા અને સંજયભાઈ અજુડીયાએ રજા રીપોર્ટ મુકયો હતો. વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ વધુમાં જણાવ્યું હતું કે, આજે બોર્ડમાં જ નવા વિપક્ષી નેતાની વરણી કરવામાં આવે તેવી મારી માંગણી હતી અને મેં આઠ મહિના પૂર્વે જ વિપક્ષી નેતા પદેથી રાજીનામાની ઓફર કરી છે છતાં નિમણુકમાં ઢીલ કરવામાં આવે છે હવે હું મહાપાલિકા દ્વારા અપાતી સરકારી ગાડી કે કાર્યાલયનો ઉપયોગ નહીં કરું.