લોહાણા સમાજનાં જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓના લાભાર્થે રઘુવંશી એજયુકેશન ટ્રસ્ટનું આયોજન: લોકડાયરાની આવકમાંથી છાત્રોને શિષ્યવૃતિ અપાશે
રઘુવંશી એજયુકેશન ટ્રસ્ટ દ્વારા લોહાણા જ્ઞાતિનાં આર્થિક રીતે જ‚રીયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓના લાભાર્થે આગામી ૨૦મીએ રાત્રે ૯:૩૦ કલાકે હેમુગઢવી હોલ ખાતે ગુજરાતનાં લોકલાડિલા કલાકાર કીર્તિદાન ગઢવીના લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગેની વિસ્તૃત વિગત આપવા પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં રઘુવંશી એજયુકેશન ટ્રસ્ટના પ્રમુખ સુરેશભાઈ ગોળવાળા, ઉપપ્રમુખ પરાગભાઈ દેવાણી, ટ્રસ્ટી ડાયાલાલ કેશરીયા અને કીર્તિદાન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા.
રઘુવંશી એજયુકેશન ટ્રસ્ટ છેલ્લા બે વર્ષથી રાજકોટ ખાતે ચાલી રહ્યું છે. ધોરણ ૧૦ પછીના અભ્યાસ માટે રાજકોટમાં વસતા લોહાણા જ્ઞાતિના આર્થિક રીતે જરૂરીયાતમંદ તથા તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રસ્ટ દ્વારા શિષ્યવૃતિ આપવામાં આવે છે. લોહાણા સમાજમાં આર્થિક રીતે નબળા પરિવારનાં ૬૦ ટકા કે તેથી વધુ ટકા લાવનાર વિદ્યાર્થીઓ શિષ્યવૃતિને પાત્ર બને છે. ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી દીઠ ૫ થી ૧૦ હજાર રૂપિયાની શિષ્યવૃતિ વર્ષ દરમ્યાન આપવામાં આવે છે. છેલ્લા બે વર્ષ દરમ્યાન ૮ થી ૧૦ લાખ જેવી શિષ્યવૃતિ આ ટ્રસ્ટ દ્વારા સેવાકીય કાર્યક્રમમાં આપવામાં આવી છે.
રઘુવંશી એજયુકેશન ટ્રસ્ટ રાજકોટની અન્ય સહયોગી સંસ્થા રઘુવંશી સેવા સમાજ દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી શિષ્યવૃતિ વિતરણ, જ્ઞાતિના નિસંતાન વૃદ્ધોને દર મહિને આર્થિક સહાય, જ્ઞાતિની દીકરીઓને લગ્ન માટે કરિયાવર, ગાયમાતાને ઘાસચારો, ભુખ્યા લોકો માટે અન્નક્ષેત્ર ચલાવવું વિગેરે સેવાકીય પ્રવૃતિઓ ચલાવવામાં આવે છે. આગામી ૨૦ જુને બુધવારે રાત્રે ૯:૩૦ વાગ્યે હેમુગઢવી હોલ ખાતે રઘુવંશી સમાજના વિદ્યાર્થીઓની સ્કોલરશીપના લાભાર્થે ગુજરાતના લોક લાડીલા કલાકાર કીર્તિદાન ગઢવી લાઈવ ઈન કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગે કીર્તિદાન ગઢવીએ જણાવ્યું હતું કે, તેઓને સારા કામમાં નિમિત બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. બાળકોને અભ્યાસ માટેની સ્કોલરશીપ આપવા લોકડાયરો યોજવા માટે જયારે તેઓને પુછવામાં આવ્યું ત્યારે તેઓએ તુરંત જ હા પાડી હતી. આ લોકડાયરામાંથી લોહાણા સમાજના છાત્રોને સ્કોલરશીપ આપવામાં આવશે.