બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આજુબાજુમાં રહેતા લોકો બહાર દોડી આવ્યા
જામનગર જિલ્લાના ધ્રોલમાં પોલીસ સ્ટેશન નજીક આવેલા વીજ ટ્રાન્સફોર્મર ધડાકા સાથે બ્લાસ્ટ થયું હતું. જેમાં પોલીસ દ્વારા મુદ્દામાલ રાખવામાં આવતો હતો તે પોલીસ સ્ટેશનનો રૂમ પણ ધ્વસ્ત થઇ ગયો હતો. આ ઘટનામાં ત્રણ પોલીસ કર્મીને ઇજા પહોંચતા સારવાર માટે ધ્રોલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
એક પોલીસ મેનની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.ધ્રોલ પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા વીજ ટ્રાન્સફોર્મરમાં થયેલો બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આજુબાજુમાં રહેતા લોકો પણ બહાર દોડી આવ્યા હતા. પોલીસે કબ્જે કરેલો દારૂનો જથ્થો અને અન્ય મુદ્દામાલ આ રૂમમાં રાખવામાં આવતો હતો.
પરંતુ વીજ ટ્રાન્સફોર્મર ધડાકા સાથે બ્લાસ્ટ થતા રૂમ પણ ધ્વસ્ત થયો હતો. ઇંટોના કટકા પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં ઉડીને પડ્યા હતા. ઘટનાને પગલે જામનગર જિલ્લા પોલીસ વડા પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને વધુ તપાસ હાથ ધરી છે.