પ્રવર્તમાન સમયમાં શિક્ષક થવા માટે બી.એડની પદવી ઉપરાંત વિદ્યાર્થીઓએ ટેટ અને ટાટ જેવી પરીક્ષાઓ આપવાની થાય છે. આ પરીક્ષાઓને આધારે છેલ્લા પાંચ-સાત વર્ષમાં અસંખ્ય યુવાનોને શિક્ષક તરીકે રોજગાર પ્રાપ્ત થાય છે. બી.એડના જ ગુણને બદલે વિદ્યાર્થીએ આપવાની થતી સ્પર્ધાત્મક પરીક્ષા અત્યંત મહત્વની હોય છે. વિદ્યાર્થી આ પરીક્ષામાં સફળતા મેળવી શકે તે માટે જરૂરી માર્ગદર્શન મેળવી શકે તેવા હેતુસર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સીસીડીસી સેન્ટર અને એજયુકેશન ફેકલ્ટીના સંયુકત પ્રયાસથી વિદ્યાર્થીઓને કોચીંગ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
જે વિદ્યાર્થીઓએ બી.એડ.નો અભ્યાસક્રમ પૂર્ણ કરેલ હોય તે તમામ વિદ્યાર્થીઓ આ કોચીંગમાં માર્ગદર્શન મેળવવા આવી શકશે. આ માર્ગદર્શન વખતે વિદ્યાર્થીઓને સામાન્ય જ્ઞાન, ભાષાકીય જ્ઞાન ઉપરાંત ટાટ-૧ અને ૨ની પરીક્ષા માટે જરૂર્રી એવું શિક્ષક અભિયોગ્યતા માટેની તૈયારી કરાવવામાં આવનાર છે. આ તાલીમ વર્ગો તા.૧૯ જુન ૨૦૧૮ થી બપોરે ૨ થી ૬ના સમય દરમ્યાન રેગયુલર બેચનું આયોજન કરવામાં આવનાર છે. જે વિદ્યાર્થીઓ જોડાવવા માંગતા હોય તેઓએ સીસીડીસી કાર્યાલય, ૧૩, એકેડેમિક સેન્ટર, ગ્રાઉન્ડ ફલોર, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પાછળ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ, રાજકોટ ખાતે રૂબરૂ આવી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
તા.૧૩ જુનથી રજાના દિવસ સિવાય સવારે ૧૧ થી ૪ દરમિયાન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન સમયે સ્કૂલ લિવિંગની ઝેરોક્ષ, ટાટ-૧નું ઓજસમાં ભરેલ ઓનલાઈન એપ્લીકેશન ફોર્મની ઝેરોક્ષ, બે પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે લાવવાના રહેશે. રજિસ્ટ્રેશન ફી પેટે રૂ.૧૦૦૦ નિર્ધારીત કરવામાં આવેલ છે. મર્યાદિત સંખ્યામાં પ્રવેશ આપવાનો હોવાથી વહેલા તે પહેલાના ધોરણે વર્ગમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. તાલીમ વર્ગો માટે બીજી અન્ય કોઈ પ્રકારની ફી ચુકવવાની રહેતી નથી. આ તાલીમ વર્ગોને સફળ બનાવવા માટે એજયુકેશન ફેકલ્ટીના ડીન ડો.નિદતભાઈ બારોટ, અધરધેન ડીન ડો.જનકભાઈ મકવાણા અને સીસીડીસીના કોર્ડીનેટર પ્રો.નિકેશ એ.શાહ તથા ટીમ સીસીડીસી દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.