ગત વર્ષે અતિવૃષ્ટિમાં જર્જરિત બનેલા આ પુલિયાનું રીપેર કામ કરાવવાની તંત્રને એક વર્ષ સુધી પુરસદ ન મળી
મોરબી જિલ્લાના ગત વર્ષની અતિવૃષ્ટિના કારણે અનેક નુકશાની સર્જાઈ હતી. જેમાં આમરણ ગામે આવેલા પુલિયાને પણ નુકશાન થતા તે જર્જરિત હાલતમાં છે. એક વર્ષ વીત્યુ છતાં તંત્ર દ્વારા આ પુલિયાનુ રીપેરીંગ કામ કરવામાં આવ્યું નથી. હાલ ચોમાસુ નજીક આવી રહ્યું છે. ત્યારે આ જર્જરિત પુલિયા જાનહાની સર્જે તેવી ભીતિ સેવાઇ રહી છે.
આમરણ ગામે ગયા વર્ષે ભારે વરસાદના કારણે મુખ્ય માર્ગ પરના બે પુલિયા તૂટી ગયા હતા. આ પુલિયા તૂટી જવાના કારણે ડબલ પટીના માર્ગે સિંગલ પટીમાંથી જ અવર જવર કરવી પડે છે. જામનગર અને કંડલાને જોડતા આમરણ ગામના આ માર્ગ પર દરરોજ હજારો વાહનો પસાર થાય છે. ત્યારે ભારે વાહન પસાર થતું હોય તે વેળાએ અન્ય વાહનોને સાઈડમાં ઉભું રહેવું પડે છે. સામાન્ય દિવસોમાં વાહન વ્યવહારની આવી પરિસ્થિતિ છે તો ચોમાસા દરમિયાન શુ થશે તે એક મોટો પ્રશ્ન છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ આમરણ ગામના માર્ગ પર બન્ને પુલિયા તૂટી ગયાની અનેક રજુઆત કર્યા બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જવાબદાર તંત્રએ એક પણ રજૂઆતને ગણકારી નથી. હાલ ચોમાસુ નજીક આવી રહ્યું છે. ત્યારે આ પુલિયાને લીધે જાનહાનિ થવાની ભીતિ સેવાઇ રહી છે. ત્યારે આ બાબતે તંત્ર દ્વારા ગંભીરતા દાખવવામાં આવે તેવી માંગ ઉઠી છે.