એરસેલ-મેકસીસ હવાલા કૌભાંડમાં છ કલાક આકરી પુછપરછ બાદ ચિદમ્બરમ્એ ટ્વિટર પર બચાવ કર્યો
પૂર્વ નાણાપ્રધાન પી ચિદમ્બરમ્ની મની લોન્ડરીંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટરે (ઈડી) દ્વારા આકરી પુછપરછ કરવામાં આવી છે. છ કલાક લાંબી ચાલેલી પુછપરછમાં એરસેલ-મેકસીસ ડિલ અંગે સવાલો થયા હોવાનું જાણવા મળે છે. પી.ચિદમ્બરમ્ પોતે નિર્દોષ હોવાનું કહી રહ્યાં છે.
ગઈકાલે સવારે ૧૧ કલાકે ઈડીની ઓફિસે પહોંચેલા ચિદમ્બરમ્ને સાંજે ૫ કલાકે છોડવામાં આવ્યા હતા. આ પુછપરછ બાદ ચિદમ્બરમ્એ ટ્વીટ કર્યું હતું કે, ઈડી દ્વારા ફરીથી પુછપરછ કરવામાં આવી છે. હજુ લગી એફઆઈઆર નોંધાઈ નથી અને આરોપો પણ સાબીત થઈ શકે તેમ નથી.
તાજેતરમાં ચિદમ્બરમ્ના પુત્ર કાર્તિની પણ પુછપરછ થઈ હતી. ગઈકાલે ચિદમ્બરમ્ની ઈડીએ કરેલ પુછપરછ બાદ તેમણે ખુલાસા કર્યા. અહીં ઉલ્લેખનીય છે કે, યુપીએ સરકાર સમયે ચિદમ્બરમ્ ગૃહમંત્રીની જવાબદારી પણ અદા કરી ચૂકયા છે. તાજેતરમાં તેઓ ધરપકડ સામે સ્પેશ્યલ કોર્ટમાં પણ ગયા હતા. અહીં ઉલ્લેખનીય છે કે, એરસેલ, મેકસીસ, એફડીઆઈ કેસ ખૂબજ ગાજયો હતો. ભાજપે યુપીએ શાસન સમયે કોંગ્રેસ પર અનેક વખત માછલા ધોયા હતા. આ કેસમાં ગુનેગારોને સજા થશે તેવો દાવો પણ ભાજપે સત્તા પર આવ્યા બાદ કર્યો હતો. જો કે, હજુ સુધી આ મુદ્દે કોઈ યોગ્ય પગલા લેવાયા ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે.