રાજયના શિક્ષણ વિભાગની કાલે સામાન્ય સભા
નવી સ્કુલોની મંજુરીની વિગતો પણ સામાન્ય સભામાં મંગાવાશે: ડો. પ્રિયવદન કોરાટ કારોબારીના અમુક સભ્યો દ્વારા ચાલતી ગેરરીતિની વિગતો પણ જાહેર કરશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરમાં આવતીકાલે સામાન્ય સભા મળનાર છે. સામાન્ય સભાને લઈને બોર્ડના જાગૃત સભ્યોએ બોર્ડ સમક્ષ પ્રશ્ર્ન રજૂ કર્યા છે. જેનો જવાબ બોર્ડ દ્વારા સામાન્ય સભામાં આપવામાં આવશે. ધો૧૦ની પરીક્ષા હળવી કરવા સહિત મહત્વના પ્રસ્તાવો રજૂ કરવામાં આવ્યા છે. અને પ્રશ્ર્નો પૂછવામાં આવ્યા છે. આ ઉપરાંત નવી સ્કુલોની મંજુરીની વિગતો પણ સામાન્ય સભમાં મંગાવવામાં આવી છે. બોર્ડની સામાન્ય સભામાં બોર્ડના સભ્યો ડો. પ્રિયવદન કોરાટ, ડો. નિદત બારોટ, કે.એ. બુટાણી, નરેન્દ્ર વાઢેર અને બોર્ડ સભ્યો કુંવરજીભાઈ બાવળીયા અને લલીત વસોયાએ બોર્ડ સમક્ષ પોતાના પ્રશ્ર્નો રજૂ કર્યા છે.
ડો. પ્રિયવદન કોરાટે નવી શાળાની મંજૂરીમાં ગોળખોળની નીતિ અને લાલીયાવાડી ચાલતી હોયતેવા પ્રશ્ર્નો લાગુ કર્યા છે. બોર્ડ સભ્ય કુંવરજીભાઈ બાવળીયા અને ડો. પ્રિયવદન કોરાટે વિદ્યાર્થીલક્ષી મહત્વના પ્રશ્ર્નો મુકાય છે. જેમાં ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અન્ય રાજયનાં શિક્ષણ બોર્ડ અને દેશની તમામ યુનિવર્સિટીની જેમ ઉતરવહીનું પુન: મુલ્યાંકન વિદ્યાર્થીઓ ઈચ્છે છે તે બે વિષયમાં કરવાનો પ્રસ્તાવ કુંવરજીભાઈ બાવળીયાએ મૂકયો છે. ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં સાચા જવાબના ગુણ ઉતરવહીમાં આપલે ન હોય તો તે સુધારો પણ ગુજરાત બોર્ડને થતો ન હોવાનો પ્રસ્તાવ મૂકાયો છે.
આ ઉપરાંત ધો.૧૦માં પાસ થવા વિદ્યાર્થીને એક વિષયમાં બોર્ડના ૭૦માંથી ૨૩ ગુણ અને શાળાના આંતરીક ૩૦માંથી ૧૦ ગુણ મળી ૩૩ ગુણ મેળવવા ફરજીયાત છે. તેની સામે વિદ્યાર્થી તનાવ મુકત રહે અને પરીક્ષાના સરળ થાય તે માટે બોર્ડના બ્રાહ્ય ૭૦ અને શાળાના આંતરીક ૩૦માંથી બંનેના થઈ ૩૩ ગુણ થાય તેને ધો.૧૦માં પાસ કરવા માંગણી કરી છે.
તદઉપરાંત ડો. કોરાટે આક્ષેપ કર્યો હતો કે, કારોબારીમાં બેઠેલ અમુક સભ્યોને વિદ્યાર્થી હિતના કામો કરવાને બદલે શાળાની મંજુરીમાં મલાઈ મળે તે માટે જ રસ છે. વિદ્યાર્થીના હિતમાં કોઈ નિર્ણય લેતા નથી આવતીકાલે મળનારી સામાન્ય સભમાં ડો. પ્રિયવદન કોરાટ બોર્ડની કારોબારીના અમુક સભ્યો દ્વારા ચાલતી ગેરરીતિની વિગતો જાહેર કરશે તેમ પણ જાણવા મળી રહ્યું છે.