રાજ્ય માર્ગ પરિવહન સેવામાં નફો-નૂકસાન નહિ નાગરિકોની સુવિધા-સગવડતાનો ધ્યેય કેન્દ્રસ્થાને રાખ્યો છે:- મુખ્યમંત્રી
મુખ્યમંત્રીએ ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમની નવિન મધ્યસ્થ કચેરી-કમાન્ડ કંટ્રોલ રૂમ-મેટ્રો લિંક બસ સેવા-ઇન હાઉસ
સુપર એકસપ્રેસ બસ સહિતના વિવિધ નવતર આયામોનો પ્રારંભ કરાવ્યો
-: નાયબ મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતી :-
-: વિજયભાઇ રૂપાણી :-
- લગ્ન પ્રસંગોએ ખાનગી ટ્રાવેલ્સના વિકલ્પે સરળ-સલામત-કિફાયતી બસ સેવાઓ એસ.ટી.નિગમ પૂરી પાડશે
- ર૦ કિ.મી. સુધીના આવવા-જવાના પ્રવાસ માટે રૂ. ૧ર૦૦
- ૪૦ કિ.મી. સુધીના આવવા-જવાના પ્રવાસ માટે રૂ. ર૦૦૦
- ૬૦ કિ.મી. સુધીના આવવા-જવાના પ્રવાસ માટે રૂ. ૩૦૦૦
- રાજ્યના પ્રજાજનોને સલામત-સરળ-અદ્યતન પરિવહન સેવા આપવા સરકાર પ્રતિબધ્ધ છે
- ૯૮ ટકા ગામો ૯૯ ટકા પ્રજાને સાંકળીને એસ.ટી. નિગમ રપ લાખ કિ.મી.થી વધુ કિ.મી.નું સંચાલન કરી લોકોને જોડતી કડી બન્યુ છે.
- ઇન હાઉસ બસ બોડી બિલ્ડીંગથી ગુજરાત એસ.ટી.એ દેશને નવો રાહ ચીંધ્યો છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં રાજ્ય સરકારની માર્ગ પરિવહન સેવાઓમાં નફો કે નૂકશાન નહિ, પ્રજાજનોની સુવિધાઓ સગવડતાનો કેન્દ્રવર્તી ધ્યેય રાખ્યો છે તેમ સ્પષ્ટપણે જાહેર કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્યના સામાન્યમાં સામાન્ય મુસાફરને પણ સલામતીનો વિશ્વાસ અહેસાસ એસ.ટી. નિગમની બસોમાં થાય છે.
મુખ્યમંત્રીશ્રીએ પ્રજાવર્ગોના આ વિશ્વાસ ભરોસાને વ્યાપક સ્તરે બળવત્તર બનાવતાં મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. તેમણે ઉમેર્યુ કે, નાગરિકો-પ્રજાજનોને લગ્ન સરામાં ખાનગી ટ્રાવેલ્સના વિકલ્પરૂપે સલામત-સરળ અને સસ્તી બસ સેવા રાજ્ય સરકાર ઉપલબ્ધ કરાવવા પ્રતિબધ્ધ છે.
મુખ્યમંત્રીશ્રીએ આ અંગેની પ્રજાલક્ષી જાહેરાત કરતાં જણાવ્યું કે, લગ્ન પ્રસંગ માટે એસ.ટી.નો લાભ વધુ મળે તે માટે ૨૦ કી.મી. સુધી આવન-જાવન માટે માત્ર રૂ. ૧૨૦૦ તેમજ એક ફેરો હોય તો રૂ.૭૦૦ના નજીવા દરે સેવા અપાશે. એટલું જ નહિેં, ૪૦ કિ.મી. સુધી આવવા-જવાના ફેરા માટે રૂ.૨૦૦૦ અને એક ફેરા માટે રૂ.૧૨૦૦ ચૂકવવાના રહેશે તથા ૬૦ કિ.મી. સુધી ઉપયોગ કરનારે આવન-જાવન માટે ત્રણ હજાર અને એક ફેરા માટે રૂ.૧૫૦૦ ચૂકવવાના રહેશે.
મુખ્યમંત્રીશ્રીએ આજે, રાણીપ ખાતે એસ.ટી. નિગમ દ્વારા પી.પી.પી. પ્રોજેકટ હેઠળ નિર્માણ થયેલી નવીન મધ્યસ્થ કચેરીને ખુલ્લી મૂકી હતી. સાથે સાથે અત્યાધુનિક કંટ્રોલ એન્ડ કમાન્ડ, સેન્ટરનું લોકાર્પણ તેમણે કર્યું હતું. નરોડા એસ.ટી.વર્કશોપ ખાતે મધ્યસ્થ યંત્રાલયનું નિદર્શન ઉપરાંત સેન્ટ્રલ મોટર્સ વ્હીકલ રૂલ્સ અને બસ બોડી કોડ મુજબની AIS: 052 સર્ટીફાઇડ સુપર એક્સપ્રેસ બસને તથા રેડી-મીડી બસને ફલેગ ઓફ કરાવ્યું હતું. તેમણે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં યોજાયેલા આ સમારોહમાં મેટ્રોલીંક બસ રૂટનો પણ પ્રારંભ કરાવ્યો હતો.
કમાન્ડ એન્ડ કંન્ટ્રોલ સેન્ટરનો ઉલ્લેખ કરી મુખ્યંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મુસાફરો સમયસર ગંતવ્ય સ્થળે પહોંચે તે જરૂરી છે. તે માટે નિગમ અને રાજ્ય સરકાર કટિબધ્ધ છે. બસો સમયસર ઉપડે-પહોંચે અને નિયત સ્ટેશનો પર ઉભી રહે તેનું નિયંત્રણ અદ્યતન ટેકનોલોજી દ્વારા કરાશે તેનો સીધો લાભ લોકોને મળશે અને તો જ ખાનગી પરિવહન સેવા કરતાં એસ.ટી.ની સેવા વધુ સ્વીકૃત બનશે અને બની પણ છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સેવાના અવિરત ભાવથી નિગમ સતત આગળ વધતું રહ્યું છે. એસ.ટી.ના પૈડા કયારેય થંભ્યા નથી તે જ પુરવાર કરે છે કે એસ.ટી.ની વિશ્વસનીયતા અને સેવાભાવ આજે પણ અકબંધ છે. તેમાં નિગમના ડ્રાઇવર-કંડકટરો-કર્મચારીઓનો અનન્ય ફાળો છે. મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે અગાઉ જુની પુરાણી પધ્ધતિઓથી કામ થતુ હતું અને આજે કર્મચારીઓએ નવા ઇનોવેશન અપનાવ્યા છે તે આવકાર્ય છે. એટલું જ નહીં ઇન હાઉસ બોડી બીલ્ડીંગનું પરિમાણ એસ.ટી.એ પ્રસ્થાપિત કર્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ એસ.ટી. પરિવહન અને મુસાફર સેવાનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે રાજ્યના ૯૮ ટકા ગામો તથા ૯૯ ટકા પ્રજાને જોડતું એસ.ટી.નિગમ ૨૫ લાખ કિ.મી.થી વધુ કિ.મી.નું સંચાલન કરે છે. ગુજરાત એસ.ટી.નિગમે ઇન હાઉસ બોડી નિર્માણ કરીને સમગ્ર દેશને નવો રાહ ચિંધ્યો છે. તેના પગલે એસ.ટી. નિગમ નવા સીમાચિહનો પ્રસ્થાપિત કરશે એવી અપેક્ષા તેમણે વ્યકત કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે એસ.ટી.નિગમ વિદ્યાર્થીઓને કન્સેશન, સીનીયર સીટીઝન માટે સેવા જેવા અભિગમ અપનાવ્યા છે. એસ.ટી. એ અત્યંત વિશ્વસનીય નામ પુરવાર થયું છે. એસ.ટી. રાજ્યમાં સતત દોડતી- અવિરત સેવા છે. હાલ પરિવહન સેવામાં કાર્યરત બસો વધારીને ૧૦ હજાર સુધી લઇ જવી છે. રાજ્યના તમામ ડેપોમાં ૨૪ કલાક સફાઇ રહે અને આધુનિક સેવાથી સજ્જ બને તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે એમ તેમણે ઉમેર્યું હતું.
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે એસ.ટી.નામ જ લોક પરિવહન સેવાનો પર્યાય બન્યો છે. શહેરમાં ગીતા મંદિરથી લાખો મુસાફરો એસ.ટી. દ્વારા પ્રવાસ કરે છે. લોકોને સુરક્ષિત સરળ પરિવહન સેવા આપવા રાજ્ય સરકાર કૃતનિશ્ચયી છે. સાથે સાથે એસ.ટીના કર્મચારીઓ માટે પણ રાજ્ય સરકારે સંવેદનશીલ અભિગમ અપનાવ્યો છે. વિવિધ પરિસ્થિતિમાં પણ નિગમે તેની સેવા અવિરત રાખી છે. એસ.ટી. સેવા એ માત્ર એક સર્વિસ જ નથી પરંતું પ્રજાજીવનની ધબકતી સેવા છે. જેને દિનપ્રતિદિન વધુ પ્રજાલક્ષી બનાવાઇ છે. આજે શરૂ કરાયેલા નવા પ્રકલ્પો રાજ્યની પ્રજાને વધુ સરળ- સુરક્ષિત સેવા આપનારા બનશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યકત કર્યો હતો.
વાહન વ્યવહાર મંત્રી શ્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે, નિગમે સૌ પ્રથમ વખત ઇનહાઉસ બોડી બિલ્ડીંગની પ્રક્રિયા હાથ ધરી છે. વિષમ પરિસ્થિતમાં પરિવહન સેવાને અકબંધ રાખતું નિમગ તન-મન-ધનથી પ્રજાલક્ષી અભિગમ સાથે સેવારત છે. એક સમયે ખોટ કરતું નિગમ આજે નફો કરવાની દિશામાં ગતિ કરી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યની સ્થાપના બાદ સૌ પ્રથમવાર એસ.ટી.ની નવી કોર્પોરેટ ઓફીસ તૈયાર કરાઇ છે. જેના એક જ બિલ્ડીંગમાં વહીવટી સંચાલનની અનુકુળતા-સરળતા ઉપરાંત આધુનિક મોડ્યુલર ફર્નિચર તથા બેઠક વ્યવસ્થા છે. સાથે સાથે અત્યાધુનિક કંટ્રોલ અને કમાન્ડ સેન્ટર કાર્યરત કરાયું છે. જેના દ્વારા કુલ ૭૪૬૫ બસોનું જી.પી.એસ. આધારિત મોનીટરીંગ કરાશે. IDMS/INMANS/EBTM/OPRS/CCTV થી તમામ સંચાલકીય બાબતોની મોનીટરીંગ સીસ્ટમથી સરળ-સલામત વાહનવ્યવહારનું નિયમન થઇ શકશે. ૩૦૦૦ ચો.મી. વિસ્તારમાં ૪૮૮૭ ચો.મી. બિલ્ડીંગ વિસ્તારમાં રૂા. ૭.૫ કરોડના ખર્ચે પાંચ માળની મધ્યસ્થ કચેરી બનાવાઇ છે.
આજ રીતે અગાઉની ડીઝાઇનમાં ૨૯ જેટલા સલામતી અનુસંધાને ફેરફારો સાથેની બસ બોડી થા બસમાં ફાયર રીટાર્ડન્ટ ગ્રેટ મટીરીયલ્સના વપરાશ સાથે સેન્ટ્રલ મોટર્સ વ્હીકલ રૂલ્સ એન્ડ બસ બોડી કોડ AIS:052 સર્ટીફાઇડ ઇનહાઉસ સુપર એક્સપ્રેસ એક નવીન નિર્માણ છે. પુરતા લેગરૂમ તેમજ દરેક સીટો માટે વિન્ડોની વ્યવસ્થા ઉપરાંત બસમાં શોર્ટ સર્કીટના કારણે આગના બનાવો નિવારવા પુરતી તકેદારી રખાઇ છે.
આ ઉપરાંત વસતી ગીચતા અને શહેરી વિસતારમાં પ્રદુષણ નિવારવા રાજ્યના અગત્યના પીકઅપ પોઇન્ટથી અન્ય મેટ્રોસીટી / જિલ્લા મથકને જોડતી મેટ્રોલિંક રૂટ તથા રેડી-મીડી બસનું ફલેગ ઓફ કરાયું હતુ. આવી ૨૩૫ સર્વિસ શરૂ કરવાનું આયોજન છે. હાલ અમદાવાદ-વડોદરા, નરોડા પટીયાથી મોતીપુરા (હિંમતનગર), રાણીપથી મોઢેરા ચોકડી(મહેસાણા) વચ્ચે મેટ્રોલિંક સર્વિસ ચાલુ છે.
નિગમના ઉપધ્યક્ષ અને મેનેજીંગ ડીરેકટર શ્રીમતી સોનલ મિશ્રાએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, આજે એસ.ટી.નિગમ દ્વારા એક સાથે પાંચ પ્રકલ્પોનું લોકાર્પણ એ એસ.ટી.નિગમ માટે મહત્વનું પગલું છે. નિગમ હંમેશા મુસાફર-પરિવહન સેવા માટે તત્પર રહ્યું છે અને એ માટે અનેક પગલાં નિગમ દ્વારા લેવાયા છે.
આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ, મેયર શ્રી ગૌતમભાઇ શાહ, ધારાસભ્ય સર્વ શ્રી વલ્લભભાઇ કાકડીયા, જગદીશભાઇ પંચાલ, અરવિંદભાઇ પટેલ, રાકેશભાઇ શાહ, એચ.એસ.પટેલ, સુરેશભાઇ પટેલ, પ્રદીપભાઇ પરમાર, બલરામ નથવાણી ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય સચિવ શ્રી જે.એન.સિંહ, મુખ્ય વ્યવસ્થાપક (ઓપરેશન) શ્રી એસ.કે. પ્રજાપતિ, મુખ્ય વ્યવસ્થાપક (વહીવટ) શ્રી બી.ડી.વાઘેલા, સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કસ ફેડરેશન એસ.ટી કર્મચારી મહામંડળ, એસ.ટી. મજદૂર મહાસંઘના હોદ્દેદારો-અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.