આંબેડકરનગરની યુવતીને રસોઈ બાબતે માતાએ ઠપકો આપતા જીવ આપ્યો
શહેરમાં અલગ-અલગ અપમૃત્યુના બે બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. શહેરના લક્ષ્મીનગરના નવરંગપર શેરી નં.૨માં યુવકે આર્થિક ભીંસથી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો જયારે આંબેડકરનગરની યુવતિને માતાએ રસોઈ બનાવવા બાબતે ઠપકો આપતા એસિડ પી જીવન ટુંકાવી લીધું છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના લક્ષ્મીનગર મેઈન રોડ પર આવેલી નવરંગપરા શેરી નં.૨માં રહેતા ચેતન પરસોતમભાઈ કમાણી નામના ૩૮ વર્ષીય પટેલ યુવાને પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
આ બનાવની જાણ પોલીસને થતા દોડી જઈ પ્રાથમિક તપાસમાં મૃતક યુવક ચેતન કમાણીને કામ ધંધો ચાલતો ન હોવાથી આર્થિક સંકડામણથી આ પગલુ ભરી લેતા એકના એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરીવારમાં શોકનું મોજુ ફેલાયું છે.
જયારે બીજા બનાવમાં શહેરના આંબેડકરનગર શેરી નં.૧૩માં રહેતા લખીબેન માવજીભાઈ નામની ૨૦ વર્ષીય યુવતિએ પોતાના ઘરે એસીડ પી લેતા બેભાન હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવતા જયાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
આ બનાવની જાણ માલવિયાનગર પોલીસ મથકના સ્ટાફને થતા હોસ્પિટલે દોડી જઈ પ્રાથમિક તપાસમાં માતાએ રસોઈ બનાવવા બાબતે ઠપકો આપતા લાગી આવતા એસિડ પી જીવન ટુંકાવી લીધું હતું. મૃતક લખીબેન ચાર બહેનોમાં સૌથી નાની હતી.