હરાજીમાં ભાગ લેનારે ૧ લાખની ડિપોઝીટ ભરવી પડશે  વેંચાણથી પ્લોટ લેનારે ૬૦ દિવસમાં પૈસા ભરવા ફરજિયાત

 

અબતક, રાજકોટ

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂ ડા) દ્વારા અમદાવાદ હાઇવે પરના અતિ વિકસિત ઔદ્યોગિક વિસ્તારમાં ખુલ્લા પ્લોટોની જાહેર હરાજી કરવાનું “રૂડા”ની ગત બોર્ડ બેઠકમાં નકકી થયેલ હતું. જે મુજબ “રૂ ડા” ટ્રાન્સપોર્ટનગર (આણંદપર  નવાગામ)ના કુલ  ૧૧ ખુલ્લા પ્લોટોની પ્રથમ તબકકામાં જાહેર હરાજી કરવાનું આયોજન રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂ ડા) દ્વારા તા.૨૨ના રોજ કરવામાં આવશે.

રૂ ડા ટ્રાન્સપોર્ટનગર ઔધોગિક ઝોનમાં આવેલા ૭૦ ચોરસ મીટરથી ૩૧૨ ચોરસ મીટર સુધીનાં કુલ ૧૧ (અગિયાર) પ્લોટની જાહેર હરાજી રૂ ડા ટ્રાન્સપોર્ટનગર કોમર્શીયલ કોમ્પલેક્ષ, સાત હનુમાન મંદિરની બાજુમાં અમદાવાદ નેશનલ હાઈવે આણંદપર (નવાગામ) ખાતે તા.૨૨મીએ  સવારનાં ૯:૦૦ કલાકે રાખવામાં આવેલ છે.

પ્લોટની જાહેર હરાજીમાં ભાગ લેવા માટે દરેક આસામીએ સ્થળ પર હાજર રહી ઓછામાં ઓછા રૂ.૧,૦૦,૦૦૦/- અને વધુમાં વધુ રૂ.૨,૦૦,૦૦૦/- રોકડા અથવા રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળનાં નામનાં ડિમાન્ડ ડ્રાફટથી ડિપોઝીટ કરવાનાં રહેશે.

હરાજી પુર્ણ થયે જેઓએ પ્લોટ ખરીદ કરેલ નહી હોય તેઓને ડીપોઝીટ સ્થળ પર જ પરત કરાશે. હરાજીમાં ભાગ લેનાર અને  ઊંચી બોલી બોલનારે ૧૦૦ ચોરસ મીટર ક્ષેત્રફળ સુધીનાં પ્લોટનાં કિસ્સામાં નકકી કરેલ અપસેટ કિંમતથી ઓછામાં ઓછા રૂ .૧૦,૦૦૦/- અને ૧૦૦ ચોરસ મીટરથી વધુ ક્ષેત્રફળ ધરાવતા પ્લોટનાં કિસ્સામાં ઓછામાં ઓછી રૂ .૨૦,૦૦૦/-ની ઊંચી બોલી બોલવાની રહેશે. જે વ્યક્તિની છેવટની ઊંચી બોલી મંજુર થાય તે વ્યક્તિએ પ્લોટની થતી કુલ રકમની ૨૫% રકમ બેંકમાં રોકડે / ચેકથી અથવા ડિમાન્ડ ડ્રાફટથી હરાજીનાં દિવસે જ ભરવાની રહેશે. પ્લોટ વેંચાણ રાખનારે બાકી અવેજની ૭૫% રકમ સત્તામંડળને દિવસ-૬૦ માં ભરપાઈ કરવાની રહેશે. મોડી ભરપાઈ કરવાના કિસ્સામાં ૧૮% મુજબ સાદુ વ્યાજ વસુલવામાં આવશે,

પરંતુ વેંચાણ રાખનાર બાકી અવેજની ૭૫% રકમ વધુમાં વધુ દિવસ-૧૨૦ સુધીમાં ભરપાઈ કરવામાં નિષ્ફળ જશે તો ભરપાઈ કરેલ ૨૫% રકમ ખાલસા કરવામાં આવશે.

વધુમાં, દસ્તાવેજનો ખર્ચ પ્લોટ ખરીદનારે ભોગવાનો રહેશે તથા ભવિષ્યમાં ટ્રાન્સફર માટે સત્તામંડળે નક્કી કરેલ પ્રિમીયમ ભરપાઈ કરી ના-વાંધા પ્રમાણપત્ર મેળવ્યા બાદ વેચાણ કરી શકાશે. પ્લોટ ખરીદનારે રૂ ડા ટ્રાન્સપોર્ટનગર એસોસીએશનના સભ્ય બનવાનું રહેશે. તથા સત્તામંડળના નિયમો બંધનકર્તા રહેશે. હરાજી અંગેનો આખરી નિર્ણય મુખ્ય કારોબારી અધિકારીનો રહેશે. વિશેષ માહિતી સત્તામંડળની વેબ સાઈટ www.rajkotruda.com પરથી તથા એસ્ટેટ શાખાનો રૂબરૂ સંપર્ક કરવાથી મળી શકશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.