• દેશ-વિદેશના હજ્જારો ભાવિકોએ અખંડ 1008 આયંબિલ સૌમ્યાજી મહાસતીજીની સાધનામાં તપનો સાથ પૂરાવ્યો

નગર-નગરમાં, ગામ-ગામમાં, ઘર- ઘરમાં, જેમની મહાન તપશ્ર્ચર્યાના ભક્તિગાન, ગુણગાન અને અનુમોદનાના ગાન ગવાઈ રહ્યાં છે એવા અખંડ 1008 આયંબિલ તપની ઉગ્ર આરાધના કરનારા સાધ્વીરત્ના, રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના સુશિષ્યા મહાતપસ્વી પરમ સૌમ્યાજી મહાસતીજીના આજના અખંડ 999મી આયંબિલ તપની અનુમોદનાનો લાભ પામી પારસધામ ઘાટકોપરના ભાવિકો પામી ધન્ય-ધન્ય બન્યા.

ઉલ્લેખનીય છે કે, આજથી 61 વર્ષ પહેલાં ગોંડલ સંપ્રદાયના મહાન સિદ્ધપુરુષ તપસમ્રાટ પૂ.ગુરુદેવ રતિલાલજી મહારાજ સાહેબે કરેલી અખંડ 999 આયંબિલ તપની આરાધના બાદ એક સાધ્વીરૂપે અખંડ 1008 આયંબિલ તપની ઉગ્ર આરાધના કરીને સમગ્ર સ્થાનકવાસી જૈન સમાજમાં એક નવો વિક્રમ સર્જી રહેલાં મહાતપસ્વી મહાસતીજી પ્રત્યે અહોભાવિત થઈને એમની અનુમોદના કરવા આ અવસરે વિરલપ્રજ્ઞા પૂજ્ય શ્રી વિરમતીબાઈ મહાસતીજી આદિ ઠાણા, પૂજ્ય ઊર્મિબાઈ મહાસતીજી- ઉર્મિલાબાઈ મહાસતીજી આદિ ઠાણા, ડો.પૂજ્ય ડોલરબાઈ મહાસતીજી આદિ અનેક સાધ્વીવૃંદની સાથે મુંબઈના અનેક સંઘોના મહિલા મંડળો, બહોળી સંખ્યામાં ભાવિકોની ઉપસ્થિતિ સાથે લાઈવના માધ્યમે દેશ-વિદેશના અનેક ક્ષેત્રોના હજારો ભાવિકો સાક્ષી બન્યાં હતાં એ ધન્યાતિધન્ય ક્ષણના જ્યારે પરમ ગુરુદેવના શ્રીમુખેથી મહાતપસ્વી મહાસતીજીને 999 મી આયંબિલના પ્રત્યાખ્યાન અર્પણ કરવામાં આવ્યાં હતાં.

મહાતપસ્વી મહાસતીજીના સંકલ્પ ,એમની સાધના અને એમના શૌર્યની પ્રશસ્તિ કરતાં આ અવસરે પરમ ગુરુદેવે ફરમાવ્યું હતું કે, એક પણ વિધ્ન જેમની તપશ્ચર્યાને ખંડિત ન કરી શક્યુ એવી 999 દિવસની તપ સાધનાનો દરેક દિવસ તપસ્વી આત્માએ જ્યારે સાર્થક કરી બતાવ્યો છે ત્યારે તેમના તપની આજે આપણે સહુ એવી અનુમોદના કરી લઈએ કે ભાવિના ભગવાન બનવાની લાઈનમાં આપણા આત્માનો પણ નંબર લાગી જાય. અંતરનો જો દ્રઢ સંકલ્પ હોય તો જ સાધના સિદ્ધ બની શકે. હું પણ તપ સાધના કરી શકીશ, હું પણ ભગવાન બની શકીશ એવા વિચાર, એવી કલ્પના જે કરે છે તે ભાવિમાં તેવી સિદ્ધિને પામી શકે છે.

999 દિવસના લૂખા સૂકા આહારની આવી ઉગ્ર તપશ્ર્ચર્યા કઈ રીતે અને કેવી રીતે શક્ય બની?એનું રહસ્ય શું છે? આવા અનેક પ્રકારના જિજ્ઞાસુઓના મનમાં ઉઠતાં પ્રશ્નો અને મહાતપસ્વી મહાસતીજીના શ્રીમુખેથી ઉદ્ઘાટિત થએલાં રહસ્યો સ્વરૂપ આ અવસરે યોજાયેલો અનોખો ટોક શો , સૌને ગુરુની અદ્રશ્ય કૃપા અને મનની અડગતાની પાવન પ્રેરણા આપી ગયો હતો.

મહાતપસ્વી મહાસતીજીની અખંડ 999મી આયંબિલ તપની અનુમોદના કરતાં દેશ- વિદેશના હજારો ભાવિકોએ મળીને એક સાથે 9999 આયંબિલ તપ અર્પણ કરી ભક્તિભાવ દર્શાવ્યા હતાં. મહાતપસ્વી પરમ સૌમ્યાજી મહાસતીજીએ આ દિવસે અભિગ્રહ ધારણ કર્યો હતો કે જે પરિવારના નિવાસસ્થાને તેમના તપપ્રેરક તપસમ્રાટ ગુરુદેવ પૂ. રતિલાલજી મહારાજ સાહેબની સ્મૃતિ હશે, તેમને 999માં દિવસે આયંબિલની ગૌચરી વહોરાવવાનો લાભ પ્રાપ્ત થશે. અહો દાનમ, અહો દાનમના નાદથી ગુંજી ઉઠ્યું ઘાટકોપરનું કૈલાશ ટાવર એપાર્ટમેંટ, પરૂલબેન પરિમલભાઈ શાહ પરિવારનું નિવાસસ્થાન, જ્યાં પૂર્ણ થયા મહાતપસ્વી મહાસતીજીનો 999મી આયંબિલનો અભિગ્રહ. ઉપસ્થિત સર્વ ભાવિકો અશ્રુભીની આંખે તપસ્વીના પ્રભાવને અનુભવ કરતાં રહ્યા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.