કોર્પોરેશનને ધૂંબો મારનારી એજન્સી સામે વિજિલન્સ તપાસની માંગ
રાજકોટ મહાનગરપાલિકાને રૂ.1.68 કરોડનો ધુંબો મારનાર એજન્સી સામે વિજીલન્સ તપાસ કરવા લોક સંસદ વિચાર મંચ દ્રારા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરાય છે.
લોક સંસદ વિચાર મંચના મોભી અને પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, સ્થાપક ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, સિનિયર સિટીઝન પ્રવીણભાઈ લાખાણી, જિલ્લા નારી સુરક્ષા સમિતિના સરલાબેન પાટડીયા, પ્રફુલાબેન ચૌહાણએ જણાવ્યું છે કે,રાજ્ય સરકારે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો કોલ આપી શાસનની ધુરા સંભાળી હતી અને રાજકોટ મહાનગરપાલિકામાં પણ ભ્રષ્ટાચાર મુક્ત અને પારદર્શક શાસનનો અને જ્યાં માનવી ત્યાં સુવિધા ના વચનો આપી શાસનની ધુરા સંભાળી હતી. પરંતુ રાજકોટ મહાનગરપાલિકામાં બેફામ ભ્રષ્ટાચાર અને લાંચિયા અને ભ્રષ્ટ અધિકારીઓ નું શાસન ચાલે છે તે જગ જાહેર છે.
તાજેતરમાં રાજકોટ શહેરમાં એક નવું જ કૌભાંડ સામે આવ્યું છે જેમાં ટ્રાફિક પોલીસને સોંપવામાં આવેલા બુથો પર જાહેરાતના હોર્ડિંગ્સ ચાર-ચાર વર્ષો સુધી પોલીસના આંખમિચામણા ને પગલે અંદાજે 1.68 કરોડનો ધુંબો રાજકોટ મહાનગરપાલિકાને લગાવી દેવામાં આવેલ છે. પોલીસ અને રાજકોટ મહાનગરપાલિકાનું રેઢિયાળ તંત્રનો વહીવટ કેવો છે તે આ દ્રષ્ટાંત ઉપરથી સાબિત થાય છે. પોલીસ અને મહાનગરપાલિકાના કુંભકર્ણોને પગલે ચાર-ચાર વર્ષો સુધી બુથ પર જાહેરાતો લગાવી રાજકોટ શહેરમાં મુખ્ય માર્ગો ના 70 જેટલા ટ્રાફિક બૂથો પર શાસક પક્ષના આદેશથી સત્તાધિશો ની સીધી દોરવણી હેઠળ મસ મોટું નવતર કૌભાંડ કયા રાજકીય ગોડ ફાધરના છુપા આશીર્વાદથી કરવામાં આવેલ છે અને ચાર ચાર વર્ષોથી આ ભેદી પ્રવૃત્તિઓ ચાલતી હોવા છતાં પોલીસ અને મહાનગરપાલિકાના રેઢિયાળ અને બિનકાર્યક્ષમ તંત્ર અંધારામાં રહ્યું તે એક આશ્ચર્યની બાબત છે.
રાજકોટ શહેરમાં કરોડોના ખર્ચે લગાવેલા આઇ વે પ્રોજેક્ટ હેઠળ 995 કેમેરાની બાજ નજર રહે છે. જેમાં થુંકનારા કે ટ્રાફિકના સામાન્ય નિયમોનો અજાણતા ભંગ કરનારા સી સી ફૂટેજમાં આવી જાય છે અને મનપા અને પોલીસ આવા લોકોને રૂપિયા 500 થી 1500 સુધીના તોતિંગ દંડનીય કાર્યવાહી કરે છે. અને ચાર મેમા નહીં ભરનારા ના વાહનો ડીટેઇન કરવાની તાજેતરમાં પોલીસે ધમકી આપી છે. ગાંધીના ગુજરાતમાં માનવતા અને સાદગીને મહત્વ આપવાને બદલે આડેધડ મન ફાવે તે પ્રકારે દંડનીય કાર્યવાહી કરી વાહનો જપ્ત લેવામાં આવે છે. તે બાબત ગુજરાતની ભાજપની નેતાગીરી એ આત્મમંથન કરવાની જરૂર છે. રાજકોટ શહેરની જાબાજ પોલીસ આ 1.68 કરોડના કૌભાંડમાં સી સી ફૂટેજ મેળવી અને જવાબદારો સામે નિષ્ઠાપૂર્વક તપાસ કરશે કે કેમ ? પોલીસ અને મહાનગરપાલિકા આવા કૌભાંડ કારો શા માટે ઘૂમટો તાણી રહી છે ?
સમગ્ર પ્રકરણની લોક સંસદ વિચાર મંચના ઉપરોક્ત આગેવાનોએ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ પાસે વિજીલન્સ તપાસની માગણી કરી છે. રાજકોટ મહાનગરપાલિકા કે રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરીના આ નવતર કૌભાંડકારો સામે આંખમીચામણા કરી ધૃતરાષ્ટ્રનીતિ દાખવનારા જે કોઈ જવાબદારો હોય તેઓને ઘર ભેગા (સસ્પેન્ડ) કરી દોષિત અધિકારીઓ પાસેથી અંદાજિત 1.68 કરોડ ની રકમની તેઓના પગારમાંથી રિકવરી થવી જોઈએ. રાજકોટ શહેર પોલીસ કમિશનર અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના યોગ્ય સંકલનના અભાવે જે કાંઈ કૌભાંડ બહાર આવેલ છે તે શરમજનક અને લાંછન રૂપ ગણાય તેમ અંતમાં દિલીપભાઈ, ગજુભા, ઈન્દુભા અને પ્રવીણભાઈ ની યાદીમાં જણાવાયું છે.