જેતપુરમાં દારૂના વેપલાઓ પર પોલીસે લાલ આંખ કરતા મોટા પ્રમાણમાં દારૂના કેસ શોધી કાઢી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં જેતપુર એએસપી સાગર બાગમાર સહિતના સ્ટાફે જેતપુરમાં બાપુ વાડી વિસ્તારમાં દરોડો પાડી બુટલેગરને 9,847 વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી રૂ.22.47 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
તો વધુ ત્રણ આરોપીના નામ ખુલતા પોલીસે તેની તપાસ હાથધરી છે. જેમાં એક બુટલેગર ઝડપાયો હતો જ્યારે અન્ય બે મર્સીડિઝ જેવી મોંઘીધાટ કારમાં નાસી ગયા હતા. જેતપુર શહેરમા કુખ્યાત બુટલેગર અનિલ બારૈયા ઉર્ફે ડાબલીના ઘરમા ડી.વાય.એસ.પી.સાગર બાગમારની ટીમે દરોડા પાડી 550 પેટી વિદેશી દારૂ ઝડપી લીધો હતો અને જેતપુર શહેર પોલીસ ઉંઘતી ઝડપાઇ હતી.
જેતપુરમા છેલ્લા ઘણા સમયથી દારૂની રેલમછેલના અને દારૂડિયાઓને સરેઆમ જાહેર રસ્તા પર દંગલ કરતા હોવાનો વીડિયો વહેતો થતા જોવા મળી રહ્યો છે. જેને કારણે ડીવાયએસપી સાગર બાગમાર સતર્ક થઇ ગયા હતા અને બાતમીના આધારે બુધવારે બપોરના સમયે કુખ્યાત બુટલેગર અનિલ બારૈયા ઉર્ફે ડાબલીના બાપુની વાડીમા આવેલા પંચદેવ કૃપા નામના રહેંણાક મકાનમા ડીવાયએસપી અને તેની ટીમે દરોડા પાડતા રૂ.22,47,800ની કિમતની કુલ 9,847 વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ આ દરોડામા પકડાયેલો વિદેશી દારૂનો જથ્થો જુનાગઢવાળા ધિરેન અમૃતલાલ કારિયા અને ડાબલીએ સાથે મળી ઉતાર્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત દેશી દારૂની ભાઠ્ઠીના સાધનો પણ મળી આવ્યા હતા. દારૂનો મોટો જથ્થો મળી આવતા પોલીસબેડામાં પણ ચકચાર મચી છે. તો લોકોના મનમાં પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે કે આટલા મોટા પ્રમાણમાં જેતપુર દારૂનો જથ્થો આવ્યો ક્યાંથી?
પોલીસે દરોડો પાડતા જ નજીક રહેતો બુટલેગર અનિલ ભાગી ગયો હતો જ્યારે જૂનાગઢનો બુટલેગર ધીરેન કારિયા પોતાની મર્સીડિઝ કારમાં ત્રણ સાગરીતો સાથે ફરાર થઈ જતા પોલીસે તેની શોધખોળ હાથધરી છે.